ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું
યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ટાઈ રહી છે. બંને ટીમો નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 180 રન જ બનાવી શકી હતી.

WPL 2025 RCB vs UP Full Highlights: યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ટાઈ રહી છે. બંને ટીમો નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 180 રન જ બનાવી શકી હતી. આ રોમાંચક મેચમાં યુપીને છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી, પરંતુ રેણુકા ઠાકુરે છેલ્લા બોલ પર કીર્તિ ગૌરને આઉટ કરી હતી. આ રીતે, વિમેન્સ પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રથમ સુપર ઓવર (WPL History First Super Over)જોવા મળી હતી. યુપીએ સુપર ઓવરમાં પ્રથમ રમતા 8 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં આરસીબી માત્ર 4 રન બનાવી શકી હતી અને સુપર ઓવરમાં 4 રનથી મેચ હારી ગઈ હતી.
મેચ ટાઈ રહી, પછી સુપર ઓવર
આ મુકાબલામાં આરસીબીએ પહેલા રમતા 180 રન બનાવ્યા હતા. બેંગલુરુ માટે કેપ્ટન સ્મૃતિ મંધાના ઝડપથી આઉટ થઈ ગઈ હતી, પરંતુ એલિસ પેરી અને ડેનિયલ વાયટ હોજે યુપીના બોલરોની ધોલાઈ કરી. એક તરફ એલિસ પેરીએ 56 બોલમાં 90 રનની ઇનિંગ રમી હતી, આ દરમિયાન તેણે 9 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તેની સાથે વાયટે 57 રન બનાવ્યા હતા. આ રીતે આરસીબીએ પહેલા રમતા 180 રન બનાવ્યા હતા.
યુપી વોરિયર્સને 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમનો કોઈ ખેલાડીએ ફિફ્ટી ફટકારી નહીં. પરંતુ કેપ્ટન દીપ્તિ શર્માની 13 બોલમાં 25 રનની ઝડપી ઈનિંગ અને તેના સિવાય શ્વેતા સેહરાવતે પણ 31 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવરોમાં સોફી એક્લેસ્ટોને 19 બોલમાં 33 રન બનાવ્યા અને સાયમા ઠાકુરે પણ ઝડપથી 14 રન બનાવ્યા અને યુપીને મેચ ટાઈ કરવામાં મદદ કરી.
સુપર ઓવરનો રોમાંચ
યુપીનો દાવ - યુપી વોરિયર્સે પ્રથમ બે બોલ પર બે-બે રન બનાવ્યા હતા. એક બોલ વાઈડ રહ્યો, પરંતુ ઓવરના ત્રીજા બોલ પર વિકેટ આવી. ચોથો બોલ ડોટ હતો. પાંચમા બોલ પર એક રન, પરંતુ તે પછી કિમ ગાર્થ ફરી એકવાર વાઈડ નાખ્યો. છેલ્લા બોલ પર ફરી એક રન આવ્યો, જેના કારણે યુપીએ સુપર ઓવરમાં 8 રન બનાવ્યા.
RCBની ઇનિંગ્સ - UPએ બોલિંગ માટે વિશ્વની નંબર વન બોલર સોફી એક્લેસ્ટોનને પસંદ કરી. રિચા ઘોષ પહેલા બોલ પર કોઈ રન બનાવી શકી ન હતી, બીજા બોલ પર એક રન આવ્યો હતો. ત્રીજો બોલ ફરી ડોટ હતો અને ચોથા બોલ પર ફરી એક રન આવ્યો. પાંચમા અને છઠ્ઠા બોલ પર એક-એક રન આવ્યો, જેના કારણે બેંગલુરુ માત્ર ચાર રન બનાવી શક્યું. આ રીતે બેંગલુરુ આ મેચ 4 રને હારી ગયું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
