આ 5 ક્રિકેટર્સની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખતમ! ટીમ ઈન્ડિયામાં નથી મળી રહી તક
કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ એક સમયે ટીમ ઈન્ડિયાના સ્ટાર પર્ફોર્મર હતા, પરંતુ હરીફાઈ વધવાને કારણે ટીમમાંથી તેમના પત્તાં કપાઈ ગયા છે.
Team India Cricketers: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાલમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વ્યસ્ત છે. વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓના બેટમાંથી રનનો વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શુબમન ગીલે પણ તાજેતરના સમયમાં શાનદાર રમત બતાવી છે. જો જોવામાં આવે તો ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે સ્પર્ધા સતત વધી રહી છે, આવી સ્થિતિમાં યુવા અને સિનિયર ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા રહેવું પડશે.
કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ એક સમયે ટીમ ઈન્ડિયાના સ્ટાર પર્ફોર્મર હતા, પરંતુ હરીફાઈ વધવાને કારણે ટીમમાંથી તેમના પત્તાં કપાઈ ગયા છે. આવો જાણીએ એવા ખેલાડીઓ વિશે.
મનીષ પાંડેએ વર્ષ 2015 માં ઝિમ્બાબ્વે સામે તેની ODI અને T20 ડેબ્યૂ કર્યું હતું. 33 વર્ષીય મનીષ પાંડેએ ભારત માટે 29 વનડેમાં 566 રન અને 39 ટી-20 મેચમાં 709 રન બનાવ્યા છે. મનીષ પાંડેએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 23 જુલાઈ 2021ના રોજ શ્રીલંકા સામે રમી હતી. ત્યારથી તે ટીમની બહાર ચાલી રહ્યો છે.
ઈશાંત શર્મા બે વર્ષ પહેલા સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો મહત્વપૂર્ણ સભ્ય હતો, પરંતુ હવે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પણ એક રીતે સમાપ્ત થઈ ગઈ છે. ઈશાંત શર્માએ ભારત માટે 105 ટેસ્ટ, 80 ODI અને 14 T20 મેચ રમી છે. ઈશાંતે ટેસ્ટમાં 311, વનડેમાં 115 અને T20 ઈન્ટરનેશનલમાં 8 વિકેટ લીધી હતી. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. 34 વર્ષીય ઈશાંત શર્માની વાપસીની શક્યતા ઓછી છે કારણ કે ભારતીય ટીમ હવે યુવા ઝડપી બોલરોને તક આપી રહી છે.
અજિંક્ય રહાણેએ ભારત માટે 82 ટેસ્ટ, 90 ODI અને 20 T20 મેચ રમી છે. અજિંક્ય રહાણેની કપ્તાનીમાં જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું ત્યારે તેની કેપ્ટનશીપના ખૂબ વખાણ થયા હતા. પરંતુ ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. રહાણે હવે ટીમ ઈન્ડિયાની બહાર છે. રહાણેએ તેની છેલ્લી ટેસ્ટ મેચ ગયા વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.
ટેસ્ટ ક્રિકેટમાંથી એમએસ ધોનીની નિવૃત્તિ પછી, રિદ્ધિમાન સાહાને વિકેટ-કીપર તરીકે ઘણી તકો મળી. જો કે, રિષભ પંત બાદમાં ટીમમાં જોડાયા બાદ રિદ્ધિમાન સાહાની કારકિર્દીમાં ઉતારચઢાવ આવ્યો હતો. રિદ્ધિમાન સાહા છેલ્લે વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. ત્યારથી તે બહાર છે. 40 ટેસ્ટ અને 9 વનડે રમનાર રિદ્ધિમાન સાહા 38 વર્ષનો છે.
વીરેન્દ્ર સેહવાગ સિવાય માત્ર કરુણ નાયરે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ત્રેવડી સદી ફટકારી હતી. જો કે, તે ત્રિપલ સદી બાદ નાયરનો ગ્રાફ ઉપર જવાને બદલે નીચે ગયો. કરુણ નાયરે છેલ્લી વખત વર્ષ 2017માં ભારત માટે કોઈ મેચ રમી હતી. 31 વર્ષીય કરુણ નાયરે ભારત માટે છ ટેસ્ટ અને બે વનડે રમી છે.