T20 World Cup 2024: ટી-20 વર્લ્ડકપ માટે અમેરિકાની ટીમ જાહેર, મૂળ ગુજરાતી યુવકને સોંપી કેપ્ટનશીપ
USA Squad For T20 World Cup 2024: અમેરિકાએ પણ ટી20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.
USA Squad For T20 World Cup 2024: ક્રિકેટ ચાહકો ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે T20 વર્લ્ડ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) અને વેસ્ટ ઈન્ડિઝમાં 1 જૂનથી 29 જૂન સુધી રમાશે. અમેરિકાએ પણ ટી20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. યુએસએની 15 સભ્યોની ટીમનું નેતૃત્વ મોનાંક પટેલ કરશે. મોનાંકનો જન્મ ગુજરાતના આણંદ શહેરમાં થયો હતો. મોનાંકે અંડર-19 સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ બાદમાં અમેરિકા આવી ગયો હતો.
It's almost time to defend our home turf in the @T20WorldCup! Here is our 15-player squad that will be representing the United States in the World Cup beginning on June 1!#WeAreUSACricket #T20WorldCup #TeamUSA #Cricket pic.twitter.com/phnzT2Ce48
— USA Cricket (@usacricket) May 3, 2024
ઉન્મુક્ત-સ્મિતને સ્થાન ન મળ્યું
મોનાંક પટેલ ઉપરાંત ભારતીય મૂળના અન્ય ઘણા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જોકે, ઉન્મુક્ત ચંદને ટીમમાં સ્થાન મળ્યું નથી. ચંદની કેપ્ટનશીપમાં જ ભારતે 2012નો અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટીમનો હિસ્સો રહેલા વિકેટકીપર બેટ્સમેન સ્મિત પટેલને પણ તક મળી નથી.
જમણા હાથના બેટ્સમેન મિલિંદ કુમારનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિલિંદે 2018-19 રણજી ટ્રોફી સીઝનમાં સિક્કિમનું પ્રતિનિધિત્વ કરતી વખતે 1331 રન બનાવ્યા હતા. આ પછી તેણે ત્રિપુરાનું પ્રતિનિધિત્વ પણ કર્યું. આ પછી તે ફરી સારી તકોની શોધમાં અમેરિકા ગયો. 2021 માં યુએસ ડેબ્યૂ કરતા પહેલા તેણે IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
મુંબઈના ભૂતપૂર્વ લેફ્ટ આર્મ સ્પિનર હરમીત સિંહને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. મુંબઈમાં જન્મેલા 31 વર્ષના આ ખેલાડીએ 2012ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 2013માં રાજસ્થાન રોયલ્સ અને ત્રિપુરા માટે સ્થાનિક ક્રિકેટમાં ભાગ લીધો હતો. ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં રમનાર સૌરભ નેત્રાવલકર પણ અમેરિકાની ટીમમાં છે. તે 2010માં અંડર-19 વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતો, જેમાં કેએલ રાહુલ, જયદેવ ઉનડકટ અને મયંક અગ્રવાલનો સમાવેશ થતો હતો.
ન્યૂઝીલેન્ડનો આ દિગ્ગજ ખેલાડી પણ ટીમનો એક ભાગ છે
ટીમમાં અન્ય એક જાણીતો ચહેરો ન્યૂઝીલેન્ડનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કોરી એન્ડરસન છે, જેણે 2015 વન-ડે વર્લ્ડ કપ સાથે 2014 અને 2016 ટી-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 2023માં અમેરિકા ગયો અને ગયા મહિને કેનેડા સામેની T20 મેચમાં અમેરિકા માટે ડેબ્યૂ કર્યું હતું.
પાકિસ્તાનમાં જન્મેલા ફાસ્ટ બોલર અલી ખાન પણ ટીમમાં સામેલ છે, જેને 2020માં કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અમેરિકા કેનેડા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. તેને ભારત, પાકિસ્તાન અને આયરલેન્ડની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકાની ટીમ
મોનાંક પટેલ (કેપ્ટન/વિકેટકીપર), એરોન જોન્સ (વાઈસ-કેપ્ટન), એન્ડ્રીસ ગૌસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંહ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોશતુશ કેનઝિગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વાન શલ્કવિક, સ્ટીવન ટેલર, શાયન જહાંગીર.
રિઝર્વ ખેલાડીઓઃ ગજાનંદ સિંહ, જુઆનોય ડ્રિસ્ડેલ, યાસિર મોહમ્મદ