Washington Sundar Fifty: ન્યૂઝીલેન્ડ સામે સુંદરની શાનદાર અડધી સદી, 28 બોલમાં 50 રન બનાવ્યા
પ્રથમ ટી 20 મેચમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડે 21 રને હાર આપી છે. આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી વોશિંગટન સુંદરે ખૂબ જ શાનદાર ઈનિંગ રમી.
Washington Sundar Maiden T20I Fifty: પ્રથમ ટી 20 મેચમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડે 21 રને હાર આપી છે. આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી વોશિંગટન સુંદરે ખૂબ જ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. વોશિંગટન સુંદરે માત્ર 28 બોલમાં 50 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સુંદરની શાનદાર ઈનિંગ છતા ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
રાંચીમાં ન્યૂઝીલેન્ડે ભારતને 21 રનથી હાર આપી
રાંચીમાં ન્યુઝીલેન્ડે ભારતને 21 રને હરાવ્યું. ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતી ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. ઈશાન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમન 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી. તેણે 34 બોલનો સામનો કરીને 47 રન બનાવ્યા હતા. સૂર્યાએ આ ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 21 રનનું યોગદાન આપ્યું હતું.
દીપક હુડ્ડા કંઈ ખાસ કરી શક્યો નથી. તે 10 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. શિવમ માવી 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કુલદીપ યાદવ પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયા ત્રણ મેચની શ્રેણીમાં 0-1થી પાછળ થઈ ગઈ છે.
ડેરીલ મિશેલે બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. આ દરમિયાન ડેરિલ મિશેલે ઝડપી બેટિંગ કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 30 બોલનો સામનો કરીને અણનમ 59 રન બનાવ્યા હતા. મિશેલે 5 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ડેવોન કોનવેએ પણ અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ફિન એલને 23 બોલમાં 35 રન બનાવ્યા હતા. એલનની ઇનિંગ્સમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતી.
વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ લીધી હતી
ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા હતા. કુલદીપ યાદવે 4 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી. શિવમ માવીએ 2 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને પણ સફળતા મળી. જો કે, તેઓ ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 51 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 33 રન આપ્યા હતા. ટીમ ઈન્ડિયાની અંતિમ ઓવરમાં કુલ 27 રન આવ્યા હતા.