Luteri Dulhan : લગ્નના 10 જ દિવસમાં 1.70 લાખ રૂપિયા લઈ દુલ્હન થઈ ગઈ ફરાર
સુરતની લૂંટરી દુલ્હને પાલનપુરના નળાસરના યુવક સાથે લગ્ન કરી રૂ.1.70 લાખ લઈ ફરાર થઈ ગઈ છે. યુવકના પગે ફ્રેક્ચર હોવાથી બરોબર ચાલી શકતો ન હોવાથી સમાજની યુવતી પસંદ કરતી ન હતી.
પાલનપુરઃ સુરતની લૂંટરી દુલ્હને પાલનપુરના નળાસરના યુવક સાથે લગ્ન કરી રૂ.1.70 લાખ લઈ ફરાર થઈ ગઈ છે. યુવકના પગે ફ્રેક્ચર હોવાથી બરોબર ચાલી શકતો ન હોવાથી સમાજની યુવતી પસંદ કરતી ન હતી. પાલનપુરના વચેટીયાએ સુરતની લૂંટરી દુલહનનો સંપર્ક કરાવ્યો હતો. માતા-પિતા બીમાર હોવાનું બહાનું કરી લૂંટેરી દુલ્હન સુરત લઈ ગઈ હતી. નળાસરના યુવકે પાલનપુરના વચેટીયા, પાવાગઢના એજન્ટ અને લૂંટેરી દુલ્હન સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુર તાલુકાના નળાસરના ભાવેશભાઇ અમરતભાઇ ચૌહાણને બે વર્ષ પહેલા અકસ્માત નડ્યો હતો અને પગમાં ફ્રેક્ચર થતાં બરોબર ચાલી શકતો નથી. જેને કારણે સમાજમાં લગ્ન થતા નહોતા. દરમિયાન પાલનપુરના જ ભાવેશભાઇના મિત્ર મહેશભાઇ મગનભાઇ ઓડે પંચમહાલના હાલોલના શૈલેષભાઇ રામાભાઇ ઓડ સાથે પરિચય કરાવ્યો કરાવ્યો હતો. જેના થકી તેમણે પાવાગઢના હૈદરઅલી ઉર્ફે એઝાઝ કાઝી સાથે મુલાકાત થઈ હતી અને મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાના અક્કલકોટ તાલુકાના દેવીકોટની સુરેખાબેન રામકૃષ્ણ ક્ષત્રિય (ઉ.વ.26) નામની યુવતી બતાવતા ભાવેશભાઇને પસંદ આવી હતી.
યુવતી પસંદ આવતાં 22 માર્ચે યુવતીને પાલનપુર લઈ આવ્યા હતા. અહીં યુવતી સાથે લગ્ન માટે 1.60 લાખ રૂપિયા, 10 હજાર ભાડું મળી કુલ 1.70 લાખ રૂપિયા આપ્યા હતા. તેમજ આ જ સમયે ફૂલહાર કરાવી કોર્ટમાં મૈત્રી કરાર કરી લીધા હતા. જોકે, મૈત્રી કરારના દસ જ દિવસ પછી એટલે કે પહેલી એપ્રિલે સુરેખાએ માતા-પિતા બિમાર હોવાનું જણાવી મળવા જવાનું કહ્યું હતું. આ પ્રમાણએ હૈદર નળાસર આવીને સુરેખાને 10 દિવસ પછી મુકી જવાનું કહીને લઈ ગયો હતો. જોકે, ચાર દિવસ પછી સુરેખાએ ભાવેશભાઈને ફોન કર્યો હતો અને નળાસર રહેવું નથી, તમે સુરત આવી જાવ તેમ કહ્યું હતું. જોકે, માતા-પિતાને મુકીને આવી શકે તેમ ન હોવાનું ભાવેશભાઈએ કહ્યું હતું. આથી સુરેખાએ નળાસર આવવાની અને ભાવેશભાઈ સાથે રહેવાની ના પાડી દીધી હતી અને જેને પૈસા આપ્યા હોય તેમની પાસેથી લઈ લેવાનું કહ્યું હતું.
આથી ભાવેશભાઈએ હૈદરને નાણા પરત આપવા જણાવ્યું હતું. જોકે, હૈદરે પહેલા તો ખોટા વાયદા કર્યા હતા અને પછી ધમકી આપતાં યુવકે અંતે પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.