Gold Price Today : પાંચ દિવસમાં સોનું 3,500 રૂપિયા સસ્તું થયું, જાણો આજના લેટેસ્ટ ભાવ
મંગળવારે સવારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના હાજર ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટવાને કારણે મંગળવારે ભારતીય બજારમાં સોનું અને ચાંદી સસ્તા થયા હતા. આજે, મલ્ટિકોમોડિટી એક્સચેન્જ (MCX) પર, સોનાની કિંમતમાં રૂ. 325નો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં, સોનાની કિંમતમાં રૂ. 3,500 (Gold Price Down)નો ઘટાડો થયો છે.
MCX પર સવારે 9.10 વાગ્યે, 10 ગ્રામ સોનાના વાયદાનો ભાવ રૂ. 325 ઘટીને રૂ. 51,999 થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર ચાંદીના ભાવમાં પણ રૂ. 561નો ઘટાડો થયો હતો અને સવારે ચાંદી રૂ. 68,283 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. ગયા અઠવાડિયે MCX પર સોનાની કિંમત 55,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. આ રીતે માત્ર પાંચ દિવસમાં જ ભાવમાં રૂ. 3,500નો ઘટાડો થયો છે.
વૈશ્વિક બજારમાં પણ પીળી ધાતુની ચમક નબળી પડી
મંગળવારે સવારે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના હાજર ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ લગભગ $0.7 ઘટીને $25.11 પ્રતિ ઔંસ થયો હતો. એ જ રીતે, સોનાની હાજર કિંમત પણ પ્રતિ ઔંસ $1,951.09 પર પહોંચી ગઈ છે. ગયા અઠવાડિયે વૈશ્વિક બજારમાં સોનાનો દર પણ 2,070 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગયો હતો.
આ કારણે જ સોનું સસ્તું થઈ રહ્યું છે
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાની આશા વધવાને કારણે વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીમાં નબળાઈ જોવા મળી રહી છે. ક્રૂડના ભાવ પણ પ્રતિ બેરલ 100 ડોલરની આસપાસ આવી ગયા છે, જેના કારણે વિશ્વભરના શેરબજારો ઝડપથી પરત ફરી રહ્યા છે અને રોકાણકારો સોનાને બદલે બજારમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. બીજી તરફ યુએસ ફેડ રિઝર્વ આજથી શરૂ થનારી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા છે. આ કારણોસર સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.