આ બીમારીના વધતા જતાં કેસે વધારી ચિંતા, 2 લોકોના મોત, આ લક્ષણો અનુભવાય તો થઇ જાવ સાવધાન
ભારે વરસાદ બાદ મચ્છરનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગોએ માથુ ઉચક્યું છે. રાજધાની દિલ્લીમાં જુલાઇમાં ડેન્ગ્યુના કેસે છેલ્લે પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
રાજધાની દિલ્હીમાં મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થયો હોવાથી, આરોગ્ય નિષ્ણાતો તમામ લોકોને ડેન્ગ્યુ સામે નિવારક પગલાં લેવાનું ચાલુ રાખવાની સલાહ આપે છે. તાજેતરના અહેવાલો અનુસાર, NCRમાં આ મહિને ડેન્ગ્યુથી બે લોકોના મોત થયા છે. ગુરુગ્રામમાં 30 વર્ષીય યુવક અને ગાઝિયાબાદમાં 21 વર્ષીય યુવકનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું છે. આવા જોખમોને ધ્યાનમાં રાખીને રાજધાનીની હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 15 દિવસમાં દિલ્હી-એનસીઆરની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, જોકે MCD દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી કોઈ ડેટા જાહેર કરવામાં આવ્યો નથી. 7 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં 348 લોકોમાં ડેન્ગ્યુની પુષ્ટિ થઈ છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઘણા દર્દીઓ તાવ અને શરીરના દુખાવાની સાથે પ્લેટલેટની સંખ્યા ઓછી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ડેન્ગ્યુના ટાઈપ-2 સ્ટ્રેનને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
નોઈડાની એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટર પ્રખર જૈન કહ્યું કે, હોસ્પિટલોમાં દર્દીઓના કેસ ચોક્કસપણે વધ્યા છે, પરંતુ મોટાભાગના લોકો સરળતાથી સ્વસ્થ થઈ રહ્યા છે અને ઘરે પાછા આવી રહ્યા છે. મોટાભાગના લોકો હળવાથી મધ્યમ લક્ષણો હોવાથી રિકવર ઝડપથી થઇ રહ્યા છે. જુલાઈમાં વરસાદને કારણે જે રીતે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તે જોતાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સપ્ટેમ્બરમાં રાજધાનીમાં આંકડો હજું પણ વધી શકે
લક્ષણો પર ધ્યાન આપો
આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, તમામ લોકોએ ડેન્ગ્યુથી બચવા પ્રયાસ કરતા રહેવાની જરૂર છે. સમયસર લક્ષણો પર ધ્યાન આપવાથી, રોગની ગંભીરતાને અટકાવી શકાય છે. મોટા ભાગના લોકોમાં, ડેન્ગ્યુના કારણે અચાનક તાવ, આંખમાં દુખાવો, પેટમાં દુખાવો અને ત્વચા પર ફોલ્લીઓ, ઉબકા, તીવ્ર થાક અને શરીરમાં તીવ્ર દુખાવો થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, ડેન્ગ્યુ હેમરેજિક હોઈ શકે છે, જે ગંભીર આરોગ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.
આ પણ વાંચો