Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો, જાણો આજે કેટલા કેસ નોંધાયા
Gujarat Corona Update : રાજ્યમાં આજે નોંધાયેલા 217 કેસોમાં સૌથી વધુ 97 કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે.
Gujarat Corona Update : ગુજરાતમાં છેલ્લા એકે અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ગઈકાલે 19 જૂને 244 નવા કેસ નોંધાયા બાદ આજે કોરોના વાયરસના નવા કેસોમાં આંશિક ઘટાડો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે 20 જૂનના રોજ કોરોના વાયરસના નવા 217 કેસ નોંધાયા છે જે ગઈકાલ કરતા 27 કેસ ઓછા નોંધાયા છે.
આજે ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે નોંધાયેલા 217 કેસોમાં સૌથી વધુ એટલે કે લગભગ 45 થી 50 ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 97, સુરત શહેરમાં 35, વડોદરા શહેરમાં 30, સુરત જિલ્લામાં 10, ગાંધીનગર શહેરમાં 7, ભાવનગર શહેરમાં 6 કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે.
130 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 1461 થયા
રાજ્યમાં આજે 20 જૂને કોરોનાથી મુક્ત થઇને 130 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,15,453 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ 1461 થયા છે, જેમાં 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જયારે 1456 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે એક પણ મૃત્યુ થયાના સમાચાર નથી.
દેશમાં સતત પાંચમા દિવસે 12 હજારથી વધુ કેસ
દેશમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે 20 જૂને સતત પાંચમા દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 12,781 નવા કેસ અને 18 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 76 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76,700 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,873 પર પહોંચ્યો છે. દેશમાં 4,27,07,900 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 196,18,66,707 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 2,80,136 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.