Gandhinagar: પોર્ટુગલમાં ફસાઈ ગુજરાતની દીકરી, જાણો રાજ્ય સરકારે કેવી રીતે પતિના ત્રાસથી કરાવી મુક્ત
ગાંધીનગર: અરજદાર દ્વારા જણાવ્યાનુસાર તેઓની પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેણીના પતિ પાસે હોવાથી દિકરીને હેરાન કરવામાં આવતી હતી. આ અંગે અરજદારને ગૃહ રાજ્યમંત્રી દ્વારા રૂબરૂમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
![Gandhinagar: પોર્ટુગલમાં ફસાઈ ગુજરાતની દીકરી, જાણો રાજ્ય સરકારે કેવી રીતે પતિના ત્રાસથી કરાવી મુક્ત The woman who was harassed by her husband was brought back to Gujarat from Portugal Gandhinagar: પોર્ટુગલમાં ફસાઈ ગુજરાતની દીકરી, જાણો રાજ્ય સરકારે કેવી રીતે પતિના ત્રાસથી કરાવી મુક્ત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/25/4da382eab045226952c15fc1f226a07b1692969466077397_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: પોર્ટુગલ ખાતે રહેતી અને પતિના ત્રાસથી હેરાન થતી ગુજરાતની દિકરીને સહી સલામતરીતે ગુજરાત પરત લવાઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગુજરાતના વતની અશોક ચૌહણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી કે, તેમની દિકરી જિનલ વર્મા તેમના પતિ રાહુલ કુમાર વર્મા સાથે પોર્ટુગલ ખાતે વસવાટ કરે છે અને તેના પતિ દ્વારા તેમની દીકરીને શારિરીક અને માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. એટલુ જ નહિ, આ દિકરીને પતિ દ્વારા નજર કેદમાં રાખીને હેરાન પરેશાન કરી દેવામા આવી છે. તેથી દિકરીને સહી સલામત ગુજરાત પરત લાવવા રજૂઆત કરી હતી.
આ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ દિકરીને ત્વરિત ગુજરાત લાવવા કાર્યવાહી કરવા કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી જરૂરી સહયોગ આપવા વિનંતી કરી હતી. જેના પરિણામે પોર્ટુગલથી ગુજરાતની દિકરીને સહી સલામત રીતે ગુજરાત પરત લાવવામાં સફળતા મળી છે. જે બાદ દિકરીના પરિવારજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે.
અરજદાર દ્વારા જણાવ્યાનુસાર તેઓની પુત્રીના પાસપોર્ટ સહિતના કાગળો તેણીના પતિ પાસે હોવાથી દિકરીને હેરાન કરવામાં આવતી હતી. આ અંગે અરજદારને ગૃહ રાજ્યમંત્રી દ્વારા રૂબરૂમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ અરજદારની રજુઆત બિન નિવાસી ગુજરાતી પ્રભાગની કચેરી દ્વારા પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીને અને ભારત સરકારના વિદેશ મંત્રાલયને ઘટતી કાર્યવાહી હેતુ ઇમેઇલથી મોકલી આપવામાં આવી હતી અને પોર્ટુગલ ખાતે આવેલ ભારતની એલચી કચેરીના તા.૧૪/૮/૨૦૨૩ના ઇમેઇલથી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા હકારાત્મક પ્રત્ત્યુતર મળ્યો હતો.
અરજદાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો
આ સંદર્ભે અરજદારના તા.૨૪/૦૮/૨૦૨૩ના ઇમેઇલથી તેઓની રજુઆત પરત્વે તેઓની દીકરી હેમખેમ ગુજરાત પરત આવી ગઈ હોવાથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ ત્વરિત કામગીરીને પરિણામે મળેલ સફળતાપૂર્વકની કામગીરી માટે અરજદાર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે. હાલમાં વતન પરત ફરતા દીકરી અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો છે. લોકો પણ ગુજરાત સરકારની આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)