ગુજરાતના આ શહેરની ઇન્કમટેક્સ કચેરીમાં 27 કર્મચારી કોરોના સંક્રમિત થતા હાહાકાર
ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા.
વડોદરામાં ઇન્કમટેક્સ કચેરીમાં કોરોના વિસ્ફોટ થયો છે. વડોદરા ઇન્કમટેક્સ કમિશ્નર, બે જોઈન્ટ કમિશ્નર સહિત 27 લોકો કોરોના સંક્રમિત થયા છે. એક સાથે 27 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા હાહાકાર મચી ગયો છે. સંક્રમિત કર્મચારીઓના સંપર્કમાં આવનાર અન્ય કર્મચારીઓના ટેસ્ટ કરાવાયા છે.
બીજી બાજુ ગાંધીનગરમાં પણ કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે. ગાંધીનગરની કોર્ટમાં જજ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ચાર જજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલીક કોર્ટમાં સેનેટાઈઝરની કામગીરી હાથ ધરાઈ છે. આ સાથે જ કોર્ટમાં અન્ય આઠ લોકો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં કોર્ટમાં 4 જજ, 1 સ્ટેનોગ્રાફર, 3 ક્લાર્કનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર, જામનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4466 લોકોના કોરોનાથી મોત થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 506, સુરત કોર્પોરેશનમાં 480, વડોદરા કોર્પોરેશનમાં 145, રાજકોટ કોર્પોરેશનમાં 130, સુરતમાં 102, ભાવનગર કોર્પોરેશન 27, જામનગર કોર્પોરેશનમાં 22, ગાંધીનગર કોર્પોરેશનમાં 21, વડોદરામાં 20, ખેડામાં 19, પાટણમાં 19, ગાંધીનગરમાં 18, મહેસાણામાં 17, નર્મદામાં 17, દાહોદમાં 16, બનાસકાંઠામાં 15, કચ્છમાં 15, અમરેલીમાં 14, ભરુચમાં 13 અને જામનગરમાં 13 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 36,77,467 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,17,132 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,90,858 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ યાત્રીઓ માટે ગત 72 કલાકમાં RTPCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. સાથે મહારાષ્ટ્રમાંથી આવતા તમામ લોકોનું સ્ક્રીનિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે.
મંગળવારે રાજ્યમાં કોરોના 1730 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા.