Banaskantha: સરકારનો વધુ એક છબરડો, કોન્ટ્રાક્ટ પુરો થયો છતાં ડોક્ટર બે વર્ષ સુધી કરતો રહ્યો નોકરી, પગાર પણ લીધો
Banaskantha: રાજ્યમાં એક સરકારી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો ખુલાસો થયો હતો

Banaskantha: રાજ્યમાં એક સરકારી હોસ્પિટલમાં ગંભીર છબરડો થયો હતો. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના થરાદની સરકારી હોસ્પિટલમાં 6 મહિના સુધી જ નોકરી કરવાના કોન્ટ્રાકટ પર નોકરી પર લાગેલો ડોક્ટર કોન્ટ્રાક્ટ પુરો થઇ ગયો હોવા છતાં બે વર્ષ સુધી નોકરી કરી હોવાનો ખુલાસો થયો હતો. એટલું જ નહી બે વર્ષ સુધી ડોક્ટરને ટાઇમસર પગાર પણ મળી રહ્યો હતો. બે વર્ષ બાદ ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો.
થરાદની સરકારી હોસ્પિટલમાં ડૉક્ટર દિનેશ ચૌધરી 6 મહિનાના કોન્ટ્રાકટ પર નોકરી લાગ્યો હતો. દરમિયાન તેનો કોન્ટ્રાક્ટ પુરો થઇ ગયો હોવા છતાં તે બે વર્ષથી નોકરી કરી રહ્યો હતો પરંતુ કોઇને પણ આ વાતનો ખ્યાલ આવ્યો નહોતો. એટલું જ નહી કોન્ટ્રાક્ટ પુરો થઇ ગયો છતાં તેને પગાર પણ ચૂકવવામાં આવતો હતો.
ડોક્ટર દિનેશ ચૌધરી અપમાનિત કરી નોકરી પરથી કાઢી નાખવાની ધમકીઓ આપતો હોવાથી વર્ગ 4ના કર્મીઓએ CDHOને રજૂઆત કરી હતી. જેથી CDHOએ થરાદ પહોંચી તપાસ કરી તો દિનેશ ચૌધરીનો કોન્ટ્રાકટ પૂરો થઇ ગયો હતો છતાં તે નોકરી કરી રહ્યો હતો. તેનો કોન્ટ્રાકટ પૂરો થઇ ગયા બાદ પણ તેને પગાર ચુકવવામાં આવતો હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો. જો કે વિવાદ વધતા દોઢ માસ અગાઉ જ દિનેશ ચૌધરી હોસ્પિટલમાંથી રાજીનામુ આપી દઇ નોકરી છોડીને જતો રહ્યો હતો.
થોડા દિવસ અગાઉ મહુવાની સરકારી જનરલ હોસ્પિટલની ખરાબ સ્થિતિના અહેવાલ આવ્યા હતા. મહુવાના નગરજનો વર્ષોથી નવી સરકારી હોસ્પિટલ માટે જંખી રહ્યા છે. 80 વર્ષ જૂની હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પર અવારનવાર છતમાંથી પોપડા પડી રહ્યા છે. સ્ટ્રકચર એટલું નબળું પડી ગયું છે કે માત્ર હાથ અડાડતા જ પોપડા ખરી રહ્યા છે. જો વહેલીતકે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા હોસ્પિટલ અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટનાનો હોસ્પિટલ ભોગ બનશે તે નક્કી છે.
મહુવામાં લોકોને હોસ્પિટલની પ્રાથમિક સુવિધા પણ જીવના જોખમ હેઠળ લેવા માટે મજબૂર બન્યા છે. સરકાર આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ નવી સરકારી હોસ્પિટલની સુવિધા પણ જનતાને મળી શકી નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
