(Source: Poll of Polls)
70 IPS અધિકારીઓની બદલીમાં ગૃહ વિભાગની ભૂલો,ભૂલનો લાભ સિનિયર IPSને ફળશે ? જાણો વિગતવાર
આ બદલી બાદ આઈપીએસ અધિકારીઓમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. 70 આઈપીએસ અધિકારીઓની બદલીમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અનેક ભૂલો કરવામાં આવી છે.
ગાંધીનગર: એક સપ્તાહ પહેલા ગુજરાતમાં 70 જેટલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 27 જૂલાઈના રોજ રાજ્યમાં 70 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હતી. આ બદલીઓ બાદ જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, અમદાવાદ પોલીસ કમિશનર બન્યા છે, જ્યારે અનુપમસિંહ ગહેલોત વડોદરાના પોલીસ કમિશનર બન્યા છે. આ બદલી બાદ આઈપીએસ અધિકારીઓમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. 70 આઈપીએસ અધિકારીઓની બદલીમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અનેક ભૂલો કરવામાં આવી છે.
આ બદલીઓમાં એડી.ડીજી લેવલના પૂર્વ રેન્જ વડા પિયુષ પટેલનું નામ છે પરંતુ તેમને કોઈ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી, પિયુષ પટેલને લીવ રિઝર્વ રાખવામાં આવ્યા છે ત્યારે હવે તેમને સેન્ટ્રલ ડેપ્યુટેશનમાં પસંદ કરી શકાય છે .તેમને બીએસએફના ગુજરાતના વડાની જગ્યા પર મૂકવામાં આવે તેવી શક્યતા છે.
મનોજ અગ્રવાલ ફરી ચર્ચામાં
70 IPS અધિકારીઓની બદલી બાદ રાજકોટ શહેરના પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ ફરી ચર્ચામાં આવ્યા છે. આ બદલીઓથી મનોજ અગ્રવાલ ફાયદો થાય તેમ લાગી રહ્યું છે. મનોજ અગ્રવાલ હાલમાં જૂનાગઢ ચોકી ખાતે એસઆરપી ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવે છે. ચોકી ટ્રેનિંગ સેન્ટર કરાઈ ટ્રેનિંગ નીચે આવે છે. 70 IPS અધિકારીઓની બદલીમાં કરાઈ તાલીમ સેન્ટરના વડા તરીકે નીરજા ગોટરુંની નિમણૂક કરવામાં આવી છે. તેઓ મનોજ અગ્રવાલ કરતા જુનિયર છે. આમ જુનિયર IPS ની નીચે એક સિનિયર IPS કઈ રીતે ફરજ બજાવશે.હવે મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી શકે છે અથવા તો નીરજા ગોટરુની ફરી બદલી કરવી પડે તેવી સ્થિતી સર્જાય છે.નીરજા ગોટરુ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા હતા. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલના વડા બાબતે પણ કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
આર.બી. બ્રહ્મભટ્ટને આઈબીના વડા બનાવાયા
ACB વડાનું પદ 70 આઈપીએસ અધિકારીઓની બદલી બાદ ખાલી છે, આ પોસ્ટ પર અનુપમસિંહ ગહેલોત હતા, જેમને વડોદરા પોલીસ કમિશ્નર તરીકે નિમણુંક આપવામાં આવી છે. ACB નો ચાર્જ અનુપમસિહ ગેહલોત પાસે છે કે અન્ય કોઈ બીજા પાસે તેનો બદલીઓમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આર.બી. બ્રહ્મભટ્ટને આઈબીના વડા બનાવાયા છે ત્યારે આ ચાર્જ તેમને સોંપવામાં આવે તેવી ચર્ચા છે.
અજય તોમર ફેબ્રુઆરીમાં નિવૃત થવાના છે
સુરત પોલીસ કમિશનર અજય તોમર ફેબ્રુઆરીમાં નિવૃત થવાના છે. તેમની બદલી નથી કરવામાં આવી. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલ્લિકને મૂકવામાં આવતા પોસ્ટીંગની આખી સાયકલ ખોરવાઇ ગઈ હોય તેવું અધિકારીઓમાં અંદરખાને ચર્ચા ચાલી રહી છે.
બીજી તરફ 70 અધિકારીઓની બદલીમાં રાજ્યના મુખ્ય જેલ વડા ડો.કે. એલ.એન. રાવને અંદાજે ચાર વર્ષ જેટલો સમય થવા છતા તેમની બદલી થઈ નથી.જ્યારે બોર્ડર રેન્જ વડા જે. આર. મોથલિયાને પણ ત્રણ વર્ષ થવા છતાં બદલી કરવામાં નથી આવી.સુત્રોના મતે સુરત પોલીસ કમિશનર અજય તોમર નિવૃત થાય એ પહેલા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓની બદલીઓ ફરી કરવામાં આવશે.
https://t.me/abpasmitaofficial