ટ્રમ્પની ભારતને F-35 ફાઈટર જેટની ઓફરથી પાકિસ્તાન ધ્રૂજ્યું! કહ્યું- 'અમારું ટેન્શન વધી ગયું છે'
અમેરિકા દ્વારા ભારતને અત્યાધુનિક લડાકુ વિમાન આપવાની સંભાવનાથી પાકિસ્તાનમાં ફફડાટ, પ્રાદેશિક અસંતુલન અને વ્યૂહાત્મક અસ્થિરતાની ચિંતા વ્યક્ત

Trump India F-35 deal: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારતને અત્યાધુનિક F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ પ્રદાન કરવાની ઓફર કરી હતી. આ સંભવિત સોદાથી પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે, જેણે આ પગલાને દક્ષિણ એશિયામાં શાંતિ માટે ખતરો ગણાવ્યો છે અને પોતાનું ટેન્શન વધી ગયું હોવાનું જણાવ્યું છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાને આ પ્રકારના પગલાને પ્રાદેશિક સૈન્ય સંતુલનને ખલેલ પહોંચાડનારું અને વ્યૂહાત્મક સ્થિરતાને નબળી પાડનારું ગણાવ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ભારતમાં એડવાન્સ મિલિટરી ટેક્નોલોજીના આયોજિત આગમનથી અમારા તણાવમાં વધારો થયો છે."
'આંતરરાષ્ટ્રીય ભાગીદારોએ જમીની વાસ્તવિકતા સમજવી જોઈએ'- પાકિસ્તાન
પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, "અમે અમારા આંતરરાષ્ટ્રીય ભાગીદારોને દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાના મુદ્દાઓ પર સર્વગ્રાહી અને ઉદ્દેશ્યપૂર્ણ અભિગમ અપનાવવા વિનંતી કરીએ છીએ." તેમણે ઉમેર્યું કે, "અમારા તમામ ભાગીદારોએ એકતરફી અને જમીની વાસ્તવિકતાથી ભટકતી બાબતોને સમર્થન આપવાનું ટાળવું જોઈએ." પાકિસ્તાનનો આડકતરો સંકેત અમેરિકા અને અન્ય દેશોને ભારત સાથેના વધતા સંરક્ષણ સંબંધો પર પુનર્વિચાર કરવા તરફ હતો.
અમેરિકા ભારતને કયા ઘાતક હથિયારો આપશે?
બેઠક બાદ પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષની સંરક્ષણ ભાગીદારી અને મોટા હથિયારોના સહ-ઉત્પાદન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે F-35 સ્ટીલ્થ ફાઇટર જેટની સંભવિત સપ્લાય સહિત ભારતને સૈન્ય હાર્ડવેરનું વેચાણ વધારવાનું વચન આપ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકા ટૂંક સમયમાં તેની સંરક્ષણ જરૂરિયાતો અનુસાર આ વર્ષે ભારતને એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ જેવલિન અને આર્મર્ડ વ્હીકલ સ્ટ્રાઈકરના વેચાણ અને ઉત્પાદન પર આગળ વધશે. ભારત અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે કે કેમ તે અંગેના સવાલ પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તે હાલમાં પ્રસ્તાવના તબક્કામાં છે. જો કે, અમેરિકા તરફથી મળેલી ઓફર અને ત્યારબાદ પાકિસ્તાનની પ્રતિક્રિયાએ આ ક્ષેત્રમાં નવા ભૂ-રાજકીય સમીકરણોના સંકેત આપ્યા છે.
આ પણ વાંચો....
કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર: ગુજરાતના બે વરિષ્ઠ નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કરાયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
