Rain: ધૂમ્મસભર્યા વાતાવરણ વચ્ચે વલસાડમાં માવઠું, વહેલી સવારથી જ વરસાદી ઝાંપટાથી ખેડૂતો ચિંતિત
શિયાળાની ઋતુ વચ્ચે હવે વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યના ખેડૂતોના માથે જાન્યુઆરી મહિનામાં પણ માવઠાનું સંકટ યથાવત છે

IMD And Weather News Updates: શિયાળાની ઋતુ વચ્ચે હવે વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યના ખેડૂતોના માથે જાન્યુઆરી મહિનામાં પણ માવઠાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે આજે પણ ગુજરાતના અમૂક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત આજે વહેલી સવારથી અને ગઇ મોડી રાતથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થયુ છે. તાજા રિપોર્ટ અનુસાર, ધૂમ્મસભર્યા વાતાવરણ વચ્ચે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઠંડીમાં અને ખેડૂતોની મુશ્કેલી બન્નેમાં વધારો થયો છે.
તાજા માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના ઉંમરગામથી લઇને તેની આસપાસના તમામ વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત દમણ સહિત દરિયા કિનારાના વિસ્તારોમાં ગઈ મોડીરાત્રે જ માવઠું થયું હતુ. અચાનક બદલાયેલા વાતાવરણથી ઠંડીનો ચમકારો પણ વધ્યો છે અને સાથે સાથે ખેડૂતોની મુશ્કેલીઓ પણ વધી છે. આ પહેલા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં વરસશે હળવો વરસાદ. આજે, અમરેલી, ભાવનગર, નર્મદા, નવસારી. ડાંગ, તાપી અને વલસાડમાં માવઠું પડશે. તો આવતીકાલે પણ અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં છે. કારણે કે જો કમોસમી વરસાદ વરસશે તો પાકને નુક્સાન થશે.
ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતના તમામ રાજ્યોમાં લોકોને અત્યંત ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. સોમવારે (8 જાન્યુઆરી), ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં, ખાસ કરીને પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સવારે ગાઢ ધુમ્મસની સ્થિતિ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત કડકડતી ઠંડીના દિવસે પણ સ્થિતિ યથાવત રહી હતી જેના કારણે લોકોને ઠંડીથી રાહત મળી ન હતી.
હવામાન વિભાગે એવી આગાહી પણ કરી છે કે ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી 24 કલાક સુધી આવી સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 જાન્યુઆરીથી ખૂબ જ ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીથી રાહત મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આમાં ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે. જો કે ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં 11 અને 12 જાન્યુઆરીએ પણ શીત લહેર આવવાની આગાહી કરવામાં આવી છે.
પૂર્વી રાજસ્થાનના અલવરમાં સોમવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે જ સમયે, કોંકણના હરનાયી અને રત્નાગીરીમાં સૌથી વધુ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ રાજ્યોમાં વરસાદની સાથે કરા પડવાની શક્યતા
હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં 8 અને 9 જાન્યુઆરીએ અને પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા અથવા કરા પડવાની સંભાવના છે. ઉપરાંત હળવા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પહાડી રાજ્યોમાં વધુ પડતા ધુમ્મસને કારણે સમસ્યા થશે
ચેતવણી જારી કરતા હવામાન વિભાગે કહ્યું કે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડમાં આગામી બે દિવસ એટલે કે 9 અને 10 જાન્યુઆરી સુધી ભારે ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે. આ સિવાય ઓડિશા, ઝારખંડ, બિહાર, ગંગટોક અને પશ્ચિમ બંગાળમાં આગામી બે દિવસ સુધી આ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.
તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે
દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે (8 જાન્યુઆરી) તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જે 21 થી 24 સેન્ટિમીટર સુધી નોંધવામાં આવ્યો છે. ખાસ કરીને માયલાદુથુરાઈ જિલ્લાના સિરકાલી, કુડ્ડલોર જિલ્લાના ચિદમ્બરમ, નાગાપટ્ટિનમ જિલ્લાના વેલંકન્ની અને નાગાપટ્ટિનમ અને તિરુવરુર જિલ્લાના તાલુકા કાર્યાલય જેવા વિસ્તારોમાં 24 સેમી સુધીનો ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
