Champions Trophy 2025: ડિવિલિયર્સે ફાઈનલને લઈ કરી મોટી ભવિષ્યવાણી, 9 માર્ચે આ ટીમો વચ્ચે થશે ટક્કર
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 4 સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. ભારતીય ટીમ 4 માર્ચે યોજાનારી પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

champions trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 4 સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. ભારતીય ટીમ 4 માર્ચે યોજાનારી પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ દુબઈમાં રમાશે.
બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો 5 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે થશે. આ મુકાબલો પાકિસ્તાનના લાહોરમાં થશે. આ પહેલા પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે જણાવ્યું હતું કે કઈ બે ટીમો ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.
એબી ડી વિલિયર્સનું માનવું છે કે પ્રથમ સેમીફાઈનલમાં ભારત જીતશે અને બીજીમાં દક્ષિણ આફ્રિકા જીતશે. આવી સ્થિતિમાં આ બંને ટીમો 9 માર્ચે યોજાનારી ફાઇનલમાં ટકરાશે. T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ પણ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ત્યારબાદ ભારતે દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો.
ભારત અને દક્ષિણ આફ્રિકા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય છે. જ્યારે ભારતે ત્રણેય ગ્રૂપ મેચો જીતી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ બે મેચ જીતી હતી. તેમજ એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. એબી ડી વિલિયર્સે આગાહી કરી છે કે ગત આઈસીસી ઈવેન્ટની જેમ જ ફરી એકવાર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટાઈટલ ટક્કર થશે.
એબી ડિવિલિયર્સની ભવિષ્યવાણી
તેણે કહ્યું, "ચેમ્પિયન્સ ટ્રોફીના બે ફાઇનલિસ્ટનું નામ આપવું મુશ્કેલ છે, પરંતુ મારો અંતરાત્મા કહે છે કે ભારત-દક્ષિણ આફ્રિકા. તે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ જેવું જ હશે. મને લાગે છે કે આપણે આ ફરીથી થતું જોઈ શકીએ છીએ. ઇંગ્લેન્ડ સામેની જીતથી દક્ષિણ આફ્રિકાને ઘણો આત્મવિશ્વાસ મળ્યો હશે."
તેણે કહ્યું, "મને લાગે છે કે ભારત અને દક્ષિણ આફ્રિકાને જોવું હંમેશા શાનદાર ફાઈનલ હોય છે. તમે ચોક્કસપણે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી બે પાવરહાઉસ ટીમોને અવગણી શકો નહીં. આઈસીસી ટ્રોફીની વાત આવે ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ મજબૂત રહે છે. દક્ષિણ આફ્રિકા માત્ર એક જ વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે (1998).
ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પોતાની તમામ મેચ દુબઈમાં જ રમી છે અને ત્રણેય મેચ જીતી છે. છેલ્લી મેચમાં રોહિત શર્માએ ચોથા સ્પિનર તરીકે વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કર્યો હતો, જેણે પાંચ વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને ટીમમાંથી બહાર કરવો મુશ્કેલ લાગી રહ્યો છે.
સંભવિત ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી/અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

