વલસાડમાં આજે પણ ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે જમીન વિવાદ, મહારાષ્ટ્ર કરી રહ્યું છે ગુજરાતની જમીન પર દાવો, જાણો શું છે સમગ્ર મામલો
Valsad News : ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો 1960માં અલગ થયા બાદ આજે પણ સરહદને લઇને ઘણી જગ્યાએ વિવાદ યથાવત છે.

Valsad : ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો 1960માં અલગ થયા બાદ આજે પણ સરહદને લઇને ઘણી જગ્યાએ વિવાદ યથાવત છે. જેમાં આજે 26 મે ના દિવસે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે મહારાષ્ટ્રના અધિકારીઓ જમીન માપણી કરવા આવતા વિવાદ થયો હતો. સ્થાનિકોએ આ માપણીનો વિરોધ કર્યો હતો જેને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મહારાષ્ટ્રના અધિકારીઓ અને ગુજરાતના અધિકારીઓએ બેઠક કરી અને માપણીની પ્રક્રિયા બંધ કરી હતી.
સોળસુંબા ગામની જમીન પર મહારાષ્ટ્ર કરી રહ્યું છે દાવો
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વચ્ચેની હદનો વિવાદ આજે પણ યથાવત છે. ઉમરગામ તાલુકાની સોળસુંબા ગ્રામ પંચાયતમાં આવતા સર્વે નંબર 9 પર મહારાષ્ટ્ રાજ્ય પણ પોતાનો હક દાવો કરી રહ્યુ છે. ઉમરગામ તાલુકાના સોળસુંબા અને મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકાના વેવજી ગામ વચ્ચેની હદ પર આવેલા સોળસુંબાના કેટલાક સર્વે નંબર પર આજે પણ મહારાષ્ટ્ર રાજ્ય પોતાના હક જતાવી રહ્યુ છે.
સોળસુંબા ગ્રામ પંચાયત વર્ષોથી જે વિસ્તારમાં અને જે સર્વે નંબરો પર વીજળી પાણી સહિતની સુવિધા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે, એવા સર્વે નંબર પર પણ મહારાષ્ટ્ર પોતાનો હક દાવો કરી રહ્યું છે. આથી સોલસુંબા ગ્રામ પંચાયત દ્વારા પણ મહારાષ્ટ્ર દ્વારા કરવામાં આવી રહેલા દાવાનો વિરોધ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના અધિકારીઓએ મિલકતધારકોને નોટિસ આપી
ઉમરગામ તાલુકા અને તલાસરી તાલુકાના સ્થાનિક તંત્ર વચ્ચે અત્યાર સુધી પત્રોની આપ-લે થતી હતી. પરંતુ હવે થોડા દિવસ અગાઉ જ મહારાષ્ટ્રના તલાસરી તંત્ર દ્વારા સોળસુંબાના કેટલાક મિલકતધારકોને જમીન માપણી ની નોટિસ પાઠવવામાં આવી હતી.. આ મિલકત ધારકોએ ઉમરગામ મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને આ બાબતની જાણ કરતા આજે સવારથી જ ઉમરગામ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગો ની ટીમ પુરા પોલીસ પ્રોટેક્શન સાથે પૂરી તૈયારી સાથે બોર્ડર પર અડિંગો જમાવ્યો હતો.
ગુજરાત - મહારાષ્ટ્રના અધિકારીઓ આવ્યાં સામ સામે
ચારથી પાંચ કલાક સુધી ગુજરાતના અધિકારીઓની ટીમે રાહ જોયા બાદ મહારાષ્ટ્રના તલાસરીથી સર્વેયર સહિતની એક ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે બોર્ડર પર જગ્યા પર પહોંચી હતી.આથી મહારાષ્ટ્રની અને ગુજરાત ની ટીમનો આમનો સામનો થયો. જોકે ઉમરગામ મામલતદાર દ્વારા માપણી કરવા આવેલા સર્વેયર સહિતની ટીમના અધિકારીઓ સાથે વાત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો અને બે રાજ્યો વચ્ચેની હદનો વિવાદ હોવાથી સ્થાનિક તંત્ર નહિ પરંતુ બંને રાજ્ય સરકારો દ્વારા નિવેડો લાવવામાં આવે તેવી વાત કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
