Lok Sabha News: નવસારીમાં સીઆર પાટીલને હરાવવા કોંગ્રેસ મેદાનમાં, મુમતાઝ પટેલને ટિકીટ આપવાની ચર્ચા
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ચર્ચાનો દોર યથાવત છે, કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલને પણ લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે
Lok Sabha News: ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇને ચર્ચાનો દોર યથાવત છે, કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલને પણ લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે હાઇ કમાન્ડને સલાહ આપી છે કે, સીઆર પાટીલની સામે મુમતાઝ પટેલને ટિકીટ આપવી જોઇએ. આ પછી નવસારી અને સુરત જિલ્લામાં કોંગ્રેસની બેઠકોનો દૌર શરૂ થયો છે.
ગુજરાતમાં ભરુચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આપના ગઠબંધનથી અહીંની ટિકીટ ચૈતર વસાવાને મળી છે, આ બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ મળતાં જ અહેમદ પટેલનો પરિવાર અને મુમતાઝ પટેલ નારાજ થયા હતા, જોકે, હવે કોંગ્રેસ તેને મનાવવાના પ્રયાસ કરી રહી છે. સુત્રો અનુસાર માહિતી છે કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં મુમતાઝ પટેલને મેદાનમાં ઉતારી શકે છે. નવસારીથી કોંગ્રેસ મુમતાઝ પટેલને ટિકિટ આપે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, આ ચર્ચા બાદ દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં કોંગ્રેસના આગેવાનોની બેઠકોનો દૌર પણ શરૂ થઇ ગયો છે. હાલમાં આ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે સલાહ આપી છે કે, મુમતાઝ પટેલ સામે ભવિષ્ય ઉજ્જવળ છે, તેમને નવસારીથી ચૂંટણી લડવા અંગે વિચારવું જોઇએ. પાર્ટી તેમને રાષ્ટ્રીય લેવલ પર જવાબદારી સોંપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ પહેલી યાદીમાં જ નવસારી બેઠક પર સીઆર પાટીલને ટિકીટ આપી દીધી છે. હાલમાં સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે.
રોહન ગુપ્તાએ ના પાડ્યા બાદ કોંગ્રેસ અમદાવાદ પૂર્વથી આ નેતાને આપશે ટિકીટ, જાણો કોનું નામ છે ચર્ચામાં
અમદાવાદ પૂર્વની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ત્યારે હવે આ બેઠક પર રોહન ગુપ્તાના સ્થાને હિંમતસિંહ પટેલ લોકસભાના ઉમેદવાર બનશે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર બની શકે છે હિંમતસિંહ પટેલ. આ પહેલા અમદાવાદ પૂર્વ માટે 2 નામ ચર્ચામાં હતા. હિંમતસિંહ પટેલ અને રોહન ગુપ્તાના નામ ચર્ચામાં હતા. રોહન ગુપ્તાનું નામ જાહેર થયા બાદ પિતાની તબિયતના કારણે તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. હિંમતસિંહ પટેલ અમદાવાદના મેયર અને બાપુનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. હિંમતસિંહ પટેલ હાલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ છે.
નોંધનીય છે કે, ગઈકાલે અમદાવાદ પૂર્વ બેઠક પરથી જાહેર કરવામાં આવેલા કૉંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન અને 4 જૂને પરિણામ આવશે.
કૉંગ્રેસના નેતા રોહન ગુપ્તા દ્વારા એક્સ પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ગંભીર તબીબી સ્થિતિને લીધે, મારા પિતા હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પરત ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.
રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. નાદુરસ્ત તબિયતનું કારણ ધરી કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 7 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી
બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
વલસાડથી અનંત પટેલ
પોરબંદરથી લલિત વસોયા
કચ્છથી-નિતેષ લાલણ