PALANPUR : ભાજપના નગરસેવકો પૈસા લઈ કામ કરતા હોવાના કથિત ઓડિયો વાયરલ થયા, જાણો સમગ્ર બાબત
Palanpur News : ભાજપ નગરસેવકો વચ્ચેની 2 કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે.
Palanpur : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં ટકાવારી અને પૈસાના ખેલ સાથે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની કેફિયત રજૂ કરતી નગરસેવકો સાથેની વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થતા પાલિકા વર્તુળમાં હડકંપ મચી જવા પામ્યો છે.
ભાજપના જ 23 નગરસેવકોએ અંબાજી જઈ શક્તિ પ્રદર્શન કર્યું હતું
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં સત્તાની આપસી ખેંચતાણ વચ્ચે મહિલા પ્રમુખ હેતલબેન રાવલ સામે ખુદ ભાજપના નગરસેવકોએ જ બાંયો ચડાવી હતી. જેમાં મહિલા પ્રમુખ સામેનો અસંતોષ વ્યક્ત કરવા ખુદ ભાજપના જ 23 નગરસેવકોએ અંબાજી જઈ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેને લઈને 8 મી સપ્ટેમ્બર 2021 ના રોજ જિલ્લા ભાજપના પ્રભારી નંદાજી ઠાકોરે અસંતુષ્ટ નગરસેવકોને તેંડુ મોકલ્યું હતું અને પાલનપુર સર્કિટ હાઉસ ખાતે દરેકને રૂબરૂ મળી સાંભળ્યા હતા.
2 ઓડિયો કલીપ વાયરલ થઈ
તે વખતે જિલ્લા પ્રભારી સમક્ષ શું રજુઆત કરી શકાય અને શું રજુઆત કરવી અને કોને કોને ટાર્ગેટ બનાવી રજુઆત કરવી તે અંગેની વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. જેમાં પાલિકામાં ટકાવારી અને પૈસાનો ખેલ ચાલતો હોવાની કેફિયત રજૂ કરાતા હડકંપ મચી ગયો છે.
એક ઓડિયો કલીપ 6:08 મિનિટની
પાલનપુર નગરપાલિકાના પૂર્વ નગરસેવક વિપુલ મહેતા અને પાણી પુરવઠા ચેરમેન સાગર માળી વચ્ચેની 6:08 મિનિટની વાતચીતની ઓડિયો વાયરલ થયો છે. જેમાં પાલિકા ઉપપ્રમુખ હસમુખ પઢીયાર, કારોબારી ચેરમેન દિપક પટેલ, પૂર્વ પ્રમુખ નીલમબેન જાનીના પતિ સંજય જાનીને ટાર્ગેટ બનાવી તેઓને બદનામ કરવાનો કારસો રચી અંબાજી જવામાં તેઓનો રોલ હોઈ તેઓના વિરુદ્ધમાં રજુઆત કરાઈ છે.
બીજી ઓડિયો કલીપ 1:20 મિનિટની
બીજી 1:20 મિનિટની ઓડિયોમાં પૂર્વ નગરસેવક વિપુલ મહેતા તેઓની નગરસેવિકા પત્ની જાગૃતિબેન મહેતાને કોના વિશે પ્રભારી સમક્ષ શું કહેવું તેની સલાહ આપી રહ્યા છે. જોકે, બન્ને ઓડિયોમાં પાલિકામાં ભાજપ સંગઠનની નિષ્ક્રિયતાને કારણે પૈસા અને ટકાવારીનો ખેલ ખેલાતો હોવાની કેફિયત રજૂ થતા ભાજપ છાવણીમાં સોપો પડી ગયો છે.
કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર
આ અંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે જે ક્લિપ વાઇરલ થઈ છે તેનાથી તેમની પોલ ખુલી છે.ભાજપના તમામ કોર્પોરેટર ટકાવારી લઈને કામો કરી રહ્યા છે. ભાજપ માત્ર વિકાસની વાતો કરે છે વિકાસના નામે રૂપિયા ખવાય છે.
ભાજપ નગરસેવકે કહ્યું, “ઓડિયો કલીપ ખોટી છે”
આ સમગ્ર મામલે નગરપાલિકા ઉપપ્રમુખ હસમુખ પઢિયારનું કહેવું છે કે આ સમગ્ર વાત ખોટી છે. ખોટા આક્ષેપો કરી બદનામ કરેછે. ઓડિયો ક્લિપ વિશે કશું જાણતો નથી.ભાજપ પાર્ટી માં છેલ્લી ત્રણ ટર્મ થી ઈમાનદારી સાથે કામ કરીએ છીએ .
આ અંગે ઓડિયોમાં વાત કરનાર સાગર માળીનું કહેવું છે કે આ ક્લિપ ડબિંગ કરી બનાવી છે. આવી કોઈ વાત નથી. અમારે કોઈ મતભેત નથી.