Rain: માણાવદરનું મટીયાણા ગામ બન્યું તળાવ, ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી પલળી
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના માણાવદર અને કેશોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના માણાવદર અને કેશોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માણાવદર પંથકનું મટીયાણા ગામ તળાવ બન્યું હતું. આખા ગામમા ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લોકોના ઘરોમા પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઇ હતી. તમામ ઘરવખરી પલળી જતા લોકો પરેશાન થયા હતા. મટીયાણા ગામની શેરીમાં કેડસમા પાણી ભરાયા હતા. લોકોને લાકડીના સહારે ચાલવાની ફરજ પડી હતી.
કેશોદની મુખ્ય બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કેશોદની બજારમાં બે ફૂટ સુધીના પાણી ભરાયા હતા. અમૃતનગર, યોગી નગર વિસ્તારમાં પાણી ભરાયા હતા.માણાવદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડાળા, નાનડીયા, સીતાણા, ભીતાણા લાગંડ, ઇન્દ્રાણા, પાદરડી સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ-કેશોદ હાઈવે પર ખેતરોમાં બેટમાં ફેરવાયા હતા. મગફળી સહિતના પાકને નુક્સાન પહોંચે તેવી સંભાવના છે.
ગીર સોમનાથ ના દરિયા કાઠામાં બારે મેઘ ખાંગા થયા હતા. કોડીનાર ઉનાના દરિયા કાઠાના ગામોમાં આભ ફાટ્યું હતું. બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે ગામડાના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
છેલ્લા 2 દિવસથી ઉપલેટા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાયાવદરના કાળીયાવાસ વિસ્તારમાં રૂપાવટી નદીના પાણી ઘૂસી જતાં લોકોની મુશ્કેલી વધી છે. અહીં કાળીયાવાસ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભાયાવદરમાં કાળિયાવાસ અને દરબારગઢમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
રાજકોટના જેતપુરમાં પણ ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. ધોધમાર વરસાદના કારણે જેતપુર શહેરના અનેક રસ્તા જળમગ્ન બન્યા છે તો ગામડામાં પણ ભારે વરસાદ ચિંતાનું કારણ બન્યો છે. જેતપુરના આસપાસના ગામડામાં પણ ભારે વરસાદના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે. ખેતરો પાણી માં ગરકાવ થઇ જતા કપાસ, મગફળીના પાકને નુકસાની ભીતિ સેવાઇ રહી છે. અતિ વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. પોરબંદર તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.
પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પોરબંદરના ગામડામાં ઓળદર, રતનપર, ગોસ, ટુકડા, નવીબંદર, ચીકાશા ગામમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ખેડૂતો પાકના નુકસાન થવાની આશંકાએ ચિંતિત છે.