Russia Ukraine War: યૂક્રેનમાં ફસાયેલા પુત્રને લઈ સામે આવ્યું ભાજપ નેતાનું દર્દ, BJP તરફથી સહયોગ ન મળતો હોવાની વ્યથા
અમારો દીકરો યુક્રેન અને રોમાનીયાની બોર્ડર પર બે દિવસથી મુશ્કેલીમાં છે. પરંતુ ભાજપ તરફથી અમારી કોઈ સારસંભાળ ન લીધી.
પાટણ: પાટણના ચાણસ્માના કેસરી ગામનો વિદ્યાથી યુક્રેનથી પરત લાવવા મામલે દર્શન પટેલ નામના વિદ્યાથીનો ગઈકાલથી કોઈ કોન્ટેક્ટ ન થતા પરિવારના સભ્યો ચિંતિત બન્યા છે. વિદ્યાથી દર્શન પટેલના માતા ચાણસ્મા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ છે. તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખના પતિએ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે. ચાણસ્મા તાલુકા ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષનો પુત્ર યૂક્રેનમાં ફસાયો છે.
અમારો દીકરો યુક્રેન અને રોમાનીયાની બોર્ડર પર બે દિવસથી મુશ્કેલીમાં છે. પરંતુ ભાજપ તરફથી અમારી કોઈ સારસંભાળ ન લીધી. અમે ભાજપ માટે કામ કરીએ પણ આજે અમે પુત્રને લઈ ચિંતિત છીએ પણ ભાજપ તરફથી કોઇ અમારા પરિવારની ખબર ન પૂછી.
રોમાનિયાથી વધુ એક વિમાન પહોંચ્યું દિલ્હી, યૂક્રેનમાં ફસાયેલા 218 ભારતીયોને લાવવામાં આવ્યા
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. આ અંતર્ગત મંગળવારે રોમાનિયાથી 218 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું. આ સિવાય હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી પણ એક વિમાન દિલ્હી પહોંચ્યું છે. જેમાં 216 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હી એરપોર્ટ પર ભારતીયોનું સ્વાગત કર્યું. તેમણે ખાતરી આપી કે સરકાર યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને પરત લાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.
તમને જણાવી દઈએ કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. તેની શરૂઆત 26 ફેબ્રુઆરીએ થઈ હતી. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 2 હજારથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. આગલા દિવસે, બુડાપેસ્ટથી 240 ભારતીયોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું.
દરમિયાન, સરકારે ઓપરેશન ગંગામાં એરફોર્સને જોડવાનો નિર્ણય પણ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એરફોર્સને સૂચના આપી છે. આજથી મંગળવારથી એરફોર્સના સી-17 એરક્રાફ્ટ ભારતીયોને પરત લાવશે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું. સોમવારે બેલારુસની સરહદ પર રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે વાતચીત થઈ હતી. જોકે મંત્રણાનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત
યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થી(Indian student)નું મોત થયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટી કરીએ છીએ કે આજે સવારે ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. નવીન નામનો વિદ્યાર્થી કર્ણાટકનો હોવાનું જાણવા મળ્યું છે. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે તેમના પરિવારના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે ભારતીય હજુ પણ ખારકિવ અને અન્ય સંઘર્ષ ક્ષેત્રોમાં છે. મૃતક ભારતીય વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના હાવેરી જિલ્લાના નવીન એસજી તરીકે થઇ છે. વિદ્યાર્થી એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો.