Cyclone Biparjoy 2023: બિપરજોય વાવાઝોડાની અસરને પહોંચી વળવા કેવી છે સરકારની તૈયારીઓ, એક ક્લિકે જાણો A To Z માહિતી
Cyclone Biparjoy 2023: કચ્છના ભૂકંપથી માંડીને રાજ્યના દરિયાકિનારે ત્રાટકતાં વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિઓ સમયે સર્જાતી ભીષણ પરિસ્થિતિઓમાં ગુજરાતે હંમેશાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Cyclone Biparjoy 2023: કચ્છના ભૂકંપથી માંડીને રાજ્યના દરિયાકિનારે ત્રાટકતાં વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિઓ સમયે સર્જાતી ભીષણ પરિસ્થિતિઓમાં ગુજરાતે હંમેશાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ટકરાવાની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે રાજ્ય સરકારે વાવાઝોડા સામે પહોંચી વળવા અને જનતાને સુરક્ષિત રાખવા માટેની તમામ પૂર્વતૈયારીઓ કરી લીધી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમની વ્યવસ્થા
11 જૂનથી જ ગુજરાતમાં રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેડિકલ ટીમ અને સ્પેશિયાલિસ્ટ્સને મોકલવામાં આવ્યા છે, જેમાં મોરબીમાં 10, કચ્છમાં 15, દ્વારકામાં 5, જામનગરમાં 2, ગિર સોમનાથમાં 2 અને 30 જેટલા સ્પેશિયાલિસ્ટ્સ ડોક્ટરોને સંભવિત અસરગ્રસ્ત થનારા વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે. સંભવિત અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ અને કોર્પોરેશન્સમાં એન્ટિ એપિડેમિક ડ્રગ્સનો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ RRT અને દરેક તાલુકામાં 2 મેડિકલ ટીમ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાંની અસરોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે રૂ.50 લાખની ગ્રાન્ટ પણ રીલીઝ કરવામાં આવી છે, જેમાં કચ્છમાં રૂ.15 લાખ અને બાકીના 7 જિલ્લાઓમાં રૂ.5 લાખ પ્રતિ જિલ્લો ગ્રાન્ટ રીલીઝ કરવામાં આવી છે. અસર હેઠળ આવનારા સંભવિત જિલ્લાઓમાં 92 વેક્ટર કંટ્રોલ ટીમ તહેનાત કરવામાં આવી છે.
આ સાથે જ, સંભવિત વાવાઝોડાંની અસર હેઠળ આવે તેવા રાજ્યના 8 જિલ્લાઓમાંથી 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ 8 જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે 1521 શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા છે. મેડિકલ ટીમો દ્વારા આ શેલ્ટર હોમ્સની નિયમિત વિઝિટ કરવામાં આવી રહી છે, અને ત્યાં સ્થળાંતરિત કરાયેલા લોકોની યોગ્ય આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
19 NDRF અને 12 SDRF ટીમો તહેનાત
ગુજરાતના દરિયાકાંઠાના 9 જિલ્લાઓ એટલે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ તેમજ 1 કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મળીને કુલ 19 NDRF ટીમો તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠાના 10 જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગિર સોમનાથ, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સુરત)માં 12 SDRF ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે અને 1 SDRF ટુકડીને રિઝર્વ રાખવામાં આવી છે. વાવાઝોડું, વરસાદ અને પવનના જોરને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીરૂપે સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા 4317 હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા છે, જેથી જાનમાલની હાનિને ટાળી શકાય. આ ઉપરાંત, આ 8 જિલ્લાઓમાં 21,595 હોડીઓને જનતાની મદદ માટે તૈયાર રાખવામાં આવી છે.
ઊર્જા વિભાગની કામગીરી
ઊર્જા વિભાગનો કંટ્રોલ રૂમ પ્રવૃત્ત કરવામાં આવ્યો છે. ઊર્જા વિભાગ હેઠળ, PGVCL દ્વારા સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના કુલ 3751 ગામડાઓમાં 597 ટીમો તહેનાત કરવામાં આવી છે, જ્યારે GETCO દ્વારા કુલ 714 સબસ્ટેશનોમાં 51 ટીમો તહેનાત કરવામાં આવી છે. PGVCL દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં કુલ 889 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જ્યારે GETCO દ્વારા આસપાસના જિલ્લાઓમાં કુલ 81 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ઉપરાંત, આ 8 જિલ્લાઓમાં જીસીબી, ડમ્પર, ટ્રેક્ટર, લોડર વગેરે જેવી સાધન-સામગ્રી સાથે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 132 ટીમો તહેનાત કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની તૈયારીઓ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને લોજિસ્ટિક્સનો પર્યાપ્ત જથ્થો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત જિલ્લાઓની હોસ્પિટલોમાં 100% ડીઝલ જનરેટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતી તબીબી મદદ મળી રહે તે માટે કુલ 17 જેટલી 108 એમ્બ્યુલન્સીસ ફાળવવામાં આવી છે, જેમાં કચ્છમાં 10, દ્વારકામાં 5 અને 2 એમ્બ્યુલન્સ મોરબી મોકલવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં વસતી સગર્ભા મહિલાઓ તેમજ તેમની અંદાજિત ડિલિવરીની તારીખોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેથી તેમને સમયસર યોગ્ય સારવાર આપી શકાય. આ જિલ્લાઓમાં કુલ 197 DG સેટ ફાળવવામાં આવ્યા છે.
વન વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ
અસરગ્રસ્ત 8 જિલ્લાઓમાં કુલ 400 વૃક્ષો ઉખડીને પડી ગયા હતા, આ તમામ વૃક્ષો વન વિભાગ દ્વારા રસ્તાઓ પરથી હટાવી લેવામાં આવ્યા છે, જેથી જનતાને કોઇ મુશ્કેલી ન પડે. આ ઉપરાંત, ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા ખંભાતના અખાત પાસે આવેલા બંદર પર 21 જહાજો અને એન્કરેજ ખાતે 17 જહાજોની વ્યવસ્થા કરવામાં આવી છે.
વાવાઝોડાના સમયે જનતા માટે રાજ્ય સરકારે તૈયાર કર્યો કોમ્યુનિકેશન પ્લાન
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે તે પહેલા 13 જૂનની સાંજથી શરૂ કરીને આજ સુધીમાં રાજ્યના 6 સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં 65 લાખ મોબાઇલ ધારકોને મુખ્યમંત્રીનો વોઇસ મેસેજ (OBD – આઉટબાઉન્ડ ડાયલિંગ) મોકલવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વાવાઝોડા પૂર્વે રાખવા પડતા સાવચેતીના પગલાં વિશે જાણકારી આપવામાં આવી હતી. આ જ પ્રમાણે, આશરે 65 લાખ મોબાઇલ ધારકો સુધી મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ, અને આવા બીજા પાંચ સંદેશાઓ, જેમાં વાવાઝોડા પૂર્વે રાખવી પડતી સાવચેતીના ટેક્સ્ટ મેસેજ, તમામ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમના ફોન નંબર્સ અને ટેલિવિઝન કમર્શિયલ્સને વીડિયો ફોર્મેટમાં વોટ્સએપ મેસેજ મારફતે મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાજ્ય સરકારે વિશેષ કોમ્યુનિકેશન પ્લાન પણ તૈયાર કર્યો છે, જે નીચે મુજબ છે:
• તમામ 33 જિલ્લાઓનું GSWAN ટેલિફોન હોટલાઇન સાથે જોડાણ
• કુલ 12 લેન્ડલાઇન ટેલિફોન જોડાણો. હેલ્પલાઇન નંબર 079-232-51900
• VSAT ફોન/ સેટેલાઇટ ફોનની વ્યવસ્થા
• ટેલિફોન ડિરેક્ટરી અપડેટ કરવામાં આવી છે
• NDRF દ્વારા સેટેલાઇટ ફોન, ક્વિક ડિપ્લોયમેન્ટ એન્ટેના, અતિશય હાઇ ફ્રીક્વન્સી સાથેની SET, હાઇ ફ્રીક્વન્સી SET જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
• SDRF (ગૃહ વિભાગ) દ્વારા અતિશય હાઇ ફ્રીક્વન્સી SET ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
• રાજ્ય સરકાર દ્વારા Jio, BSNL, વોડાફોન- તમામ 743 ટાવર્સને પર્યાપ્ત પાવર બેક અપ રાખવા સૂચના આપવામાં આવી છે.