Delta Plus Variant: કોરોનાના આ ખતરનાક વેરિયંટ સામે સ્વદેશી રસી છે અસરદાર, જાણો કઈ ટોચની સંસ્થાએ કરી આ વાત
કોવેક્સિન સમગ્ર રીતે સ્વદેશી છે અને તેને ભારત બાયોટેક કંપની બનાવે છે. આ વેક્સિન હૈદરાબાદની લેબમાં તૈયાર કરવામાં આવી છે
નવી દિલ્હીઃ વિશ્વભરમાં હાલ કોરોનાનો સૌથી સંક્રામક ડેલ્ટા વેરિયંટ હાહાકાર મચાવી રહ્યો છે પરંતુ આ દરમિયાન ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ભારત બાયોટેકની કોવેક્સિન કોરનાના ડેલ્ટા પ્લસ વેરિયંટ સામે અસરદાર હોવાનું સામે આવ્યું છે.
કોવેક્સિન સંપૂર્ણ સ્વદેશી વેક્સીન
કોવેક્સિન સમગ્ર રીતે સ્વદેશી છે અને તેને ભારત બાયોટેક કંપની બનાવે છે. આ વેક્સિન હૈદરાબાદની લેબમાં તૈયાર કરવામાં આવી છે. જ્યારે કોવિશીલ્ડને ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાએ મળીને બનાવી છે અને ભારતમાં તેનું નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવ્યું છે.
દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા પરંતુ છેલ્લા છ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા છ દિવસમાં બે લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 40,134 નવા કેસ નોંધાયા હતા અને 36,946 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 442 લોકોના મોત થયા હતા.
COVAXIN effective against Delta Plus variant of COVID19, says Indian Council of Medical Research (ICMR) study pic.twitter.com/8DxlqXixt5
— ANI (@ANI) August 2, 2021
દેશમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3,16,95,958
- એક્ટિવ કેસઃ 4,13,718
- કુલ રિકવરીઃ 3,08,57,4671
- કુલ મોતઃ 4,24,773
કેટલા ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 47 કરોડ 22 લાખ 23 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 17 લાખ 6 હજાર,598 લોકોનું રસીકરણ કરાયું હતું. દેશમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ વેક્સિન સત્રમાં 2.27 લાખથી વધારે મહિલાઓને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. તમિલનાડુમાં 78 હજારથી વધુ ગર્ભવતી મહિલાઓને રસીના ડોઝ અપાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 46 કરોડ 96 લાખ 45 હજાર 494 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14,28,984 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરાયા હતા.
આ વિસ્તારોમાં લગાવો કડક પ્રતિબંધ
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે કહ્યું છે કે જે જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે ત્યાં કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં કોરોના સંક્રમણ દરમાં વધારો જોવા મળી રહ્યો છે અને અહીં નિયમોનું પાલન કરવાની સખત જરૂર છે. કેન્દ્રએ કહ્યું કે 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે સંક્રમણ છે. જ્યારે અન્ય 53 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે, તેથી રાજ્યોએ ફરી એકવાર કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવવાની જરૂર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની ઢીલાશ આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.આરોગ્ય મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10 ટકાથી વધુના સંક્રમણ દરની રિપોર્ટ કરનારા તમામ જિલ્લાઓમાં, લોકોની અવરજવરને રોકવા / ઘટાડવા, ભીડ અને લોકોને મળતા અટકાવવા માટે કડક પ્રતિબંધો પર વિચાર કરવાની જરૂર છે.