Rajasthan : રાજસ્થાનની ગેહલોત સરકારની જગતના તાત સાથે ક્રુર મજાક, વળતર આપ્યું માત્ર 2 પૈસા!!!
આશ્ચર્યની વાત એ છે કે, બાડમેર જિલ્લાના ઘણા ખેડૂતોને વીમાના દાવા તરીકે 2 પૈસા, 3 પૈસા અને 5 પૈસા મળ્યા છે.
Ashok Gehlot Government : રાજસ્થાનના ખેડૂતો પર અશોક ગેહલોત સરકાર દ્વારા ક્રુર મજાક કરવામાં આવી રહી છે. તાજેતરમાં રાજ્યના ખેડૂતોને ખરીફ પાક માટે વીમાની રકમ જાહેર કરવામાં આવી છે. વર્ષ 2021 માટે પાકના નુકસાન માટે વીમા દાવાની રકમ એક વર્ષ બાદ જારી કરવામાં આવી છે. અને તે પણ માત્ર 2 પૈસા અને 5 પૈસા જ. બાડમેર જિલ્લાના ઘણા ખેડૂતોને આપવામાં આવેલી વીમા દાવાની રકમના કેટલાક સ્ક્રીન શોટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સ્ક્રીન શોટર્સમાંથી સનસનીખેજ ખુલાસા થયા છે.
આશ્ચર્યની વાત એ છે કે, બાડમેર જિલ્લાના ઘણા ખેડૂતોને વીમાના દાવા તરીકે 2 પૈસા, 3 પૈસા અને 5 પૈસા મળ્યા છે. કમનસીબી એ છે કે, ખેડૂતો દ્વારા જેટલી પ્રીમિયમની રકમ ચુકવવામાં આવે છે તેટલી પણ રકમ પાક નિષ્ફળ ગયા બાદ પણ દાવો પણ મળતો નથી. પાક વીમાના નામે રમાયેલી આ જઘન્ય રમત બાદ રાજ્યના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
એક વર્ષ રાહ જોવડાવી અને પછી કરી ક્રુર મજાક
તાજેતરમાં જ વીમા કંપની દ્વારા જારી વીમાની જે રકમ જાહેર કરવામાં આવી છે એ પણ ગયા વર્ષની છે. આમે છેલ્લા એક વર્ષથી જગતના તાતને તેના જ હક માટે રાજ જોવડાવામાં આવી હતી. પાક નિષ્ફળ જતાં રાજ્ય સરકારે ગીરદાવરી કરાવી હતી. ત્યાર બાદ લાંબા સમય સુધી સરકાર અને ખેડૂતોએ વીમા દાવાની રકમને લઈને સંઘર્ષ કર્યો. વીમા માટે કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે પ્રિમિયમની રકમનો એક ભાગ ખેડૂતો દ્વારા પણ જમા કરાવવામાં આવે છે. આખરે લાંબી જહેમત બાદ વીમા કંપનીએ વીમાના દાવાની રકમ રીલીઝ કરી હતી. 411 કરોડ રૂપિયા વીમા કંપનીમાં પ્રિમિયમ તરીકે જમા કરાવ્યા હતા, પરંતુ વીમા ક્લેમ માત્ર 311 કરોડ રૂપિયાનો જ બહાર પાડ્યો હતો. એટલે કે કંપની ખેડૂતોના હકના 100 કરોડ રૂપિયા ચાંઉ કરી ગઈ હતી.
જોકે, દાવાની રકમ ગીરદાવરી રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવે છે. રાજ્ય સરકાર તલાટીએ તૈયાર કરેલો રિપોર્ટ કંપનીને મોકલે છે, જેના આધારે કંપની વીમા દાવાની રકમ જાહેર કરે છે.
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ રાજ્ય સરકારને ગણાવી જવાબદાર
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ ખેડૂતોને 2 પૈસા, 3 પૈસા અને 5 પૈસાના દરે જારી કરાયેલા વીમા દાવાના મુદ્દે રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. ચૌધરીએ જણાવ્યું હતું કે, વીમા દાવાની રકમ વીમા કંપની દ્વારા રાજ્ય સરકારના રિપોર્ટના આધારે આપવામાં આવે છે. રાજ્ય સરકારે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની અવગણના કરીને યોગ્ય અહેવાલ જ તૈયાર કર્યો નથી. જેના કારણે રાજ્યના હજારો ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કૈલાશ ચૌધરીનું કહેવું છે કે, તેઓ ખેડૂતોની સાથે ઉભા છે અને તેમની સાથે અન્યાય નહીં થવા દે. આ બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે કે આખરે ક્લેમની રકમ દાવા પ્રમાણે કેમ આપવામાં નથી આવી? ચૌધરીએ કહ્યું હતું કે, રાજ્યની કોંગ્રેસ સરકાર કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહી છે જ્યારે આ મામલો રાજ્ય સરકારનો છે.