'તમે પાતળા, સ્માર્ટ અને...': અજાણી મહિલાને રાત્રે આવા મેસેજ મોકલવા અશ્લીલતા, કોર્ટે ફટકારી સજા
મુંબઈ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, રાત્રે અજાણી મહિલાને વ્હોટ્સએપ પર મેસેજ મોકલનારને ત્રણ મહિનાની જેલની સજા

Mumbai court verdict: મુંબઈની સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એક વ્યક્તિને રાત્રે અજાણી મહિલાને અશ્લીલ મેસેજ મોકલવા બદલ દોષિત ઠેરવીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈ અજાણી મહિલાને રાત્રે 'તું પાતળી, ખૂબ જ સ્માર્ટ અને ફેર લુકિંગ, આઈ લાઈક યુ' જેવા મેસેજ મોકલવા એ અશ્લીલતાની વ્યાખ્યામાં આવે છે.
દિંડોશી સ્થિત એડિશનલ સેશન્સ જજ ડી.જી. ધોબલે વ્હોટ્સએપ પર એક ભૂતપૂર્વ મહિલા કાઉન્સિલરને અશ્લીલ સંદેશાઓ મોકલવાના કેસમાં આરોપીને મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલી સજાને યથાવત રાખી હતી. કોર્ટે જણાવ્યું કે, અશ્લીલતાનું મૂલ્યાંકન "સામાન્ય સમજણ ધરાવતા વ્યક્તિ" ના દ્રષ્ટિકોણથી થવું જોઈએ, જે "સમકાલીન સમુદાયના ધોરણો" લાગુ કરે છે.
કોર્ટે પોતાના 18 ફેબ્રુઆરીના આદેશમાં નોંધ્યું હતું કે, આરોપીએ રાત્રે 11:00 વાગ્યાથી 12:30 વાગ્યાની વચ્ચે ફરિયાદી મહિલાને સતત ફોટોગ્રાફ્સ અને મેસેજ મોકલ્યા હતા. આ મેસેજમાં 'તમે પાતળા છો', 'તમે ખૂબ જ સ્માર્ટ દેખાવ છો', 'તમે ફેર છો', 'મારી ઉંમર 40 વર્ષ છે', 'તમે પરિણીત છો કે નહીં?' અને 'હું તમને પસંદ કરું છું' જેવા શબ્દો લખેલા હતા.
કોર્ટે વધુમાં ટિપ્પણી કરી હતી કે, કોઈપણ પ્રતિષ્ઠિત પરિણીત મહિલા કે તેમના પતિ, જેઓ ભૂતપૂર્વ કાઉન્સિલર પણ છે, તેઓ આવા વ્હોટ્સએપ મેસેજ અને અશ્લીલ તસવીરો ક્યારેય સહન નહીં કરે, ખાસ કરીને જ્યારે મેસેજ મોકલનાર અને ફરિયાદી એકબીજાને ઓળખતા પણ ન હોય. કોર્ટે એ પણ નોંધ્યું કે આરોપી પક્ષે એવો કોઈ પુરાવો રજૂ કર્યો નથી જે દર્શાવે કે તેમની વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ હતો. ન્યાયાધીશે અવલોકન કર્યું કે આ સંદેશાઓ અને કૃત્ય સ્પષ્ટપણે મહિલાની ગરિમાનું અપમાન કરવા સમાન છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 2022માં મેજિસ્ટ્રેટ કોર્ટે પણ આરોપીને આ કેસમાં દોષિત ઠેરવીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. આરોપીએ મેજિસ્ટ્રેટ કોર્ટના આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટમાં આરોપીએ દલીલ કરી હતી કે તેને રાજકીય દુશ્મનાવટના કારણે ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે, પરંતુ કોર્ટે તેના આ દાવાને નકારી કાઢ્યો હતો. કોર્ટે કહ્યું કે, આરોપી પોતાના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા રજૂ કરી શક્યો નથી. કોર્ટે એમ પણ કહ્યું કે, કોઈ પણ મહિલા આરોપીને ખોટા કેસમાં ફસાવીને પોતાની પ્રતિષ્ઠા દાવ પર નહીં લગાવે.
સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા જણાવ્યું કે, ફરિયાદ પક્ષે પૂરવાર કર્યું છે કે આરોપીએ મહિલાને વ્હોટ્સએપ પર અશ્લીલ મેસેજ અને તસવીરો મોકલીને ગુનો કર્યો છે. સેશન્સ જજે જણાવ્યું કે, "સબઓર્ડિનેટ કોર્ટ (મેજિસ્ટ્રેટ કોર્ટ) આરોપીને દોષિત ઠેરવવા અને સજા આપવા માટે ન્યાયી હતી."
આ પણ વાંચો.....





















