Dokra Boat: પીએમ મોદીએ ડેનમાર્કના ક્રાઉન પ્રિન્સને છત્તીસગઢની 'ઢોકરા હોડી'ની ભેટ આપી, જાણો આ કળાનો ઈતિહાસ
ડેનિશ રાજવીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ 4,000 વર્ષ જૂની પદ્ધતિથી બનેલી છત્તીસગઢની ઢોકરા બોટ ડેનમાર્કના ક્રાઉન પ્રિન્સ ફ્રેડ્રિકને ભેટ સ્વરૂપે આપી હતી.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના 3 દિવસના યુરોપ પ્રવાસ દરમિયાન ડેનમાર્કની મુલાકાત લીધી હતી. ડેનિશ રાજવીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ 4,000 વર્ષ જૂની પદ્ધતિથી બનેલી છત્તીસગઢની ઢોકરા બોટ ડેનમાર્કના ક્રાઉન પ્રિન્સ ફ્રેડ્રિકને ભેટ સ્વરૂપે આપી હતી. હવે આ ઢોકરા બોટની તસવીર સામે આવી છે. આ તસવીરની સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે. ત્યારે આવો જાણીએ આ ઢોકરા હોડી અને ઢોકરા આર્ટ શું છે, તેને ક્યાં બનાવવામાં આવે છે.
છત્તીસગઢ આદિવાસી પ્રભુત્વ ધરાવતું રાજ્ય છે. રાજ્યનો ઈતિહાસ ભારતની સૌથી જૂની સંસ્કૃતિ મોહેંજોદરો સાથે પણ જોડાયેલો છે. કારણ કે મોહેંજોદારોના ખોદકામમાં જે મૂર્તિઓ મળી હતી તે તમામ ઢોકરા કલામાંથી બનાવવામાં આવી હતી અને છત્તીસગઢનો કોંડાગાંવ જિલ્લો દેશની સૌથી જૂની ઢોકરા કલા માટે પ્રખ્યાત છે. અહીં બનેલી મૂર્તિઓની દેશ-વિદેશમાં ભારે માંગ રહે છે અને ઢોકરા કળામાંથી બનેલી મૂર્તિઓ ઘણા દેશોમાં વેચાય છે.
PM gifts a Dokra boat from Chattisgarh to Crown Prince Fredrik of Denmark. Dokra is non–ferrous metal casting using the lost-wax casting technique. This sort of metal casting has been used in India for over 4,000 years and is still used. pic.twitter.com/Nh5ALuGFDc
— ANI (@ANI) May 4, 2022
ઢોકરાની મૂર્તિ કોંડાગાંવના ભેલવાપરામાં બને છેઃ
કોંડાગાંવના ભેલવાપરામાં દરેક ઘરમાં તમે આ ઢોકરા મૂર્તિ બનાવતા લોકોને જોઈ શકો છો. આદિવાસી સંસ્કૃતિના મોટા ભાગના શિલ્પો ઢોકરા હસ્તકલામાંથી બનાવવામાં આવે છે. દેવી-દેવતાઓની મૂર્તિઓ, પશુ-પક્ષીઓની મૂર્તિઓ, હોડીઓ, માછલીઓ અને કાચબાઓ પણ ઢોકરા કલા દ્વારા બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઢોકરાની મૂર્તિઓ જેટલી સુંદર હોય છે તેટલી જ તેને બનાવવામાં વધુ સમય લાગે છે. કારીગરોનું કહેવું છે કે, ધોકરા આર્ટમાં બનેલી મૂર્તિઓને ઓછામાં ઓછી 10 થી 14 પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.
કેવી રીતે બને છે મૂર્તિ?
ઢોકરા આર્ટના ઐતિહાસિક મહત્વ ઉપરાંત તેની બનાવટ અને રચના પણ ખૂબ જ રસપ્રદ છે. સૌ પ્રથમ માટીનું માળખું તૈયાર કરવામાં આવે છે. આમાં, કાળી માટીને સ્ટ્રો સાથે ભેળવીને બેઝ બનાવવામાં આવે છે અને તેને સંપૂર્ણપણે સૂકવવા માટે તડકામાં રાખવામાં આવે છે. સૂકાયા પછી, તિરાડો ભરવા માટે લાલ માટીનો કોટિંગ લગાવવામાં આવે છે. આ પછી મીણનું કોટિંગ લગાવવામાં આવે છે. મીણ સુકાઈ જાય પછી, તેને પાતળા દોરાની મદદથી સુંદર ડિઝાઇન બનાવવામાં આવે છે. જ્યારે તે સુકાઈ જાય, પછી તેને માટીથી ઢાંકી દેવામાં આવે છે.
સૂકાયા પછી, પિત્તળ અને ટીન જેવી ધાતુઓને ગરમ કરીને ઓગળવામાં આવે છે. આ સાથે, મીણમાંથી બનેલી માટીની રચનાને પણ ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. આના કારણે માટીના માળખા વચ્ચે જે મીણ લગાવવામાં આવ્યું હશે તે પીગળી જાય છે અને મીણની જગ્યા ખાલી થઈ જાય છે. ગરમ ધાતુ પછી મુર્તિના માળખાની અંદર રેડવામાં આવે છે. આ પછી, મીણની જગ્યા સંપૂર્ણપણે ધાતુથી ભરવામાં આવે છે. આ પછી, તેને લગભગ 6 કલાક માટે ઠંડુ કરવામાં આવે છે. પછી હથોડી વડે માટી કાઢી લેવામાં આવે છે અને મૂર્તિ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે. તેની ચમક વધારવા માટે તેને બ્રશ વડે સાફ કરવામાં આવે છે અને પોલિશ પણ કરવામાં આવે છે.