Punjab News: પંજાબના હોશિયારપુરમાં કોરોનાથી ફફડાટ, 13 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા 10 દિવસ માટે શાળા બંધ
આરોગ્ય વિભાગે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નમૂના પરીક્ષણ માટે લીધા છે. વિસ્તારના ગામડાઓમાં પણ ટેસ્ટિંગ સઘન બનાવાયું છે.
Coronavirus in Punjab: દેશમાં ફરી એકવાર કોરોના ચેપના કેસ વધવા લાગ્યા છે. દક્ષિણ ભારત સહિત ઉત્તર ભારતમાં કોવિડ-19ના નવા કેસ દરરોજ વધી રહ્યા છે. જણાવી દઈએ કે પંજાબના હોશિયારપુર જિલ્લામાં 13 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. જે બાદ સરકારી શાળાને 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, સંક્રમિત વિદ્યાર્થીઓને ઘરે જ આઈસોલેટ કરવામાં આવ્યા છે. કોવિડ-19 સંક્રમિત તમામ વિદ્યાર્થીઓની ઉંમર 16 વર્ષ કે તેથી ઓછી હોવાનું કહેવાય છે.
લોકોને COVID-19 ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે
મુકેરિયાના એસડીએમ નવનીત બાલે જણાવ્યું કે આરોગ્ય વિભાગે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નમૂના પરીક્ષણ માટે લીધા છે. વિસ્તારના ગામડાઓમાં પણ ટેસ્ટિંગ સઘન બનાવાયું છે. સમગ્ર શાળાના કેમ્પસને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે અને વિસ્તારના લોકોને માસ્ક પહેરવા સહિત કોવિડના નિયમોનું સખતપણે પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. સિવિલ સર્જન ડૉ. પરમિન્દર કૌરે કહ્યું કે જેઓ વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા હતા તેમને શોધી કાઢવામાં આવી રહ્યા છે.
બાળકોને રસી આપવામાં નિષ્ફળતા ચેપ ફેલાવવાનું કારણ હોઈ શકે છે
આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ માટેના નમૂનાઓ નહિવત હતા. તેમણે કહ્યું કે જ્યારે પોઝિટિવ કેસ સામે આવ્યો ત્યારે શાળાઓમાં રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે બાળકોને રસી ન આપવી એ ચેપ ફેલાવવાનું કારણ હોઈ શકે છે.
નોંધનીય છે કે, ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ચાલુ સપ્તાહે પાંચમી વખત 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 50માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 153માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8318 નવા કેસ નોંધાયા છે અને 465 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10967 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,07,019 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 6632 કેસ નોંધાયા છે અને 388 સંક્રમિતોના મોત થયા છે.