યશવંત સિન્હા બન્યા રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર, જાણો તેમની રાજકીય સફર વિશે
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને આજે વિરોધ પક્ષોની બેઠક મળી હતી. બેઠક બાદ વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને આજે વિરોધ પક્ષોની બેઠક મળી હતી. બેઠક બાદ વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે. જયરામ રમેશ, સુધીન્દ્ર કુલકર્ણી, દિપાંકર ભટ્ટાચાર્ય, શરદ પવાર, ડી રાજા, તિરુચી શિવા (DMK), પ્રફુલ પટેલ, યેચુરી, એનકે પ્રેમચંદ્રન (RSP), મનોજ ઝા, મલ્લિકાર્જુન ખડગે, રણદીપ સુરજેવાલા, હસનૈન મસૂદી (નેશનલ કોન્ફરન્સ), અભિષેક બેનર્જી અને રામ ગોપાલ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
કોણ છે યશવંત સિન્હા
યશવંત સિન્હા ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ વરિષ્ઠ નેતા હતા, જેઓ હાલમાં બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા હતા. આજે સવારે જ તેમણે તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
યશવંત સિન્હા 1960 માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ હોદ્દા પર રહીને સેવામાં 24 વર્ષથી વધુ સમય વિતાવ્યો હતો. 4 વર્ષ સુધી તેમણે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી. બિહાર સરકારના નાણા મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી અને ડેપ્યુટી સેક્રેટરી રહ્યા પછી, તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે કામ કર્યું.
1989 માં જનતા દળની રચના પછી તેઓ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત થયા. તેમણે ચંદ્ર શેખરની કેબિનેટમાં નવેમ્બર 1990 થી જૂન 1991 સુધી નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી. યશવંત સિંહા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં કેન્દ્રીય નાણા મંત્રી અને પછી વિદેશ મંત્રી રહી ચુક્યા છે. 2021માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાતા પહેલા તેણે 2018માં બીજેપી છોડી દીધી હતી. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.