Vadodara: વડોદરાના R.R.કાબેલ ગ્રુપને ત્યાં ITનું સર્ચ, અમદાવાદ, મુંબઈ સહિત 40 સ્થળોએ દરોડા
Vadodara: વડોદરાના R.R.કાબેલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી તપાસ શરૂ કરી હતી.
Vadodara: રાજ્યમાં ફરી એકવાર આઇટીએ દરોડા પાડ્યા હતા. વડોદરાના R.R.કાબેલ ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. અમદાવાદ, સુરત, સેલવાસ, મુંબઈના 40 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ગ્રુપના ચેરમેન રમેશ કાબરાને ત્યાં આઇટી વિભાગે તપાસ શરૂ કરી હતી. તે સિવાય તમામ ડાયરેક્ટરો,ડિસ્ટ્રિબ્યુટરને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કાબેલ ગ્રુપ કેબલ અને વાયરના ધંધા સાથે સંકળાયેલ છે. દરોડામાં મોટાપાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.
વડોદરાના R.R.કાબેલ ગ્રુપની વાઘોડીયા સ્થિત ઓફિસમાં સર્ચ કરાયું હતું. સવારની શિફ્ટના કર્મચારીઓને ઓડિટોરિયમમાં બેસાડી રખાયા હતા. કંપનીની અંદર-બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.15થી વધુ આઈટીના અધિકારીઓ સર્ચમાં જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, 40 જેટલા કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. ઉત્પાદન અને વેચાણ અંગેના ડેટા જપ્ત કરાયા હતા. કાચા મટીરીયલ્સને લગતા ડેટા મેળવ્યાની માહિતી મળી રહી છે. ઓફિસ ઈન્ચાર્જ પાસેથી બેન્ક એકાઉન્ટની માહિતી મેળવાઇ હતી. વાર્ષિક ટર્ન ઓવર, સીએસઆર ફંડ અંગેની પણ માહિતી માંગવામાં આવી રહી છે.
ભાવનગરના વેપારીએ હાઇકોર્ટમાં કરી ફરિયાદ
ભાવનગર શહેરના એક વેપારીએ જીએસટીના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના એક વેપારીએ જીએસટીના અધિકારીઓ વિરુદ્ધ હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં વેપારીએ GSTના અધિકારીઓ પરેશાન કરતા હોવાના આરોપ લગાવ્યો હતો. મહાદેવ ટ્રેડિંગ નામની પેઢીના વેપારી નરેશ આગીચાએ હાઈકોર્ટમાં પુરાવા સાથે ફરિયાદ કરી હતી. આ મામલે હાઇકોર્ટે જીએસટીના અધિકારીઓએ 22 ડિસેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો હતો.
પોતાની ફરિયાદમાં વેપારીએ કહ્યું હતું કે GSTના અધિકારીઓ સર્ચ દરમિયાન કાયદા વિરુદ્ધ જઈને વેપારી અને કર્મચારીઓના મોબાઈલ જપ્ત કરે છે. સાથે જ સમગ્ર ઘટના CCTVમાં રેકોર્ડ ન થાય એ માટે અધિકારીઓ જાતે જ DVR બંધ કરે છે. આ કેસમાં હાઈકોર્ટે GST કમિશ્નર સહિતના ત્રણ અધિકારીઓને 22 ડિસેમ્બરે હાજર થવા આદેશ કર્યો હતો.