Rahul Gandhi : અમેરિકામાં મોદીની વ્હારે આવ્યા રાહુલ, ચીનને ઝીંક્યો તમાચો
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીન ભારત પર કોઈ પણ બાબત લાદી શકે નહીં. ભારત અને ચીન વચ્ચેના સંબંધો આસાન નથી, તે વધુ 'મુશ્કેલ' બની રહ્યા છે.
Rahul Back PM Modi : અમેરિકામાં ભારતની મોદી સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રશિયા-યુક્રેન યુદ્ધના મુદ્દે ખુલ્લેઆમ ભારત સરકારનું સમર્થન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રશિયા સાથે અમારા સારા સંબંધો રહ્યા છે. અમે રશિયા પર પણ થોડી નિર્ભરતા ધરાવીએ છીએ. તેથી જ આ મુદ્દે મારું પણ ભારત સરકાર જેવું જ વલણ છે. આ સાથે જ રાહુલ ગાંધીએ ચીન પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતાએ ચીનના ગાલે સણસણતો તમાચો ઝિંક્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચીન ભારત પર કોઈ પણ બાબત લાદી શકે નહીં. ભારત અને ચીન વચ્ચેના સંબંધો આસાન નથી, તે વધુ 'મુશ્કેલ' બની રહ્યા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ શહેરોની મુલાકાતે છે. કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના પ્રશ્નનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી. વિદ્યાર્થીઓએ રાહુલને પૂછ્યું હતું કે, આગામી પાંચ-દસ વર્ષમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો કેવા હશે, તમે તેને કેવી રીતે જુઓ છો? જેનો જવાબ આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું હતું ક, 'આ હવે મુશ્કેલ છે. મારો મતલબ કે તેમણે અમારા કેટલાક પ્રદેશ પર કબજો કરી લીધો છે. આ મુશ્કેલ છે, તે એટલા સરળ નથી રહ્યાં. તેમણે કહ્યું હતું કે, ભારત પર કંઈ લાદી શકાય નહીં. આવું કંઈ જ નહીં થાય.
રશિયા-યુક્રેન યુદ્ધ પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ત્રણ વર્ષથી મડાગાંઠ ચાલી રહી છે. જૂન 2020માં પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ સંબંધો અત્યંત તંગ બની ગયા હતા. ભારતનું વલણ છે કે, જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ નહીં આવે ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વાતચીત દરમિયાન, રાહુલે પશ્ચિમી દેશોના દબાણ છતાં યુક્રેન યુદ્ધની પૃષ્ઠભૂમિમાં રશિયા સાથેના સંબંધો જાળવી રાખવાની ભારતની નીતિને સમર્થન આપ્યું હતું.
કોંગ્રેસના નેતાને પૂછવામાં આવ્યું કે, શું તેઓ રશિયા પર ભારતના તટસ્થ વલણને સમર્થન આપે છે? જેના પર તેમણે કહ્યું હતું કે, "મારા રશિયા સાથે સારા સંબંધો છે, અમારી રશિયા પર કેટલીક નિર્ભરતા છે. તેથી મારું સ્ટેન્ડ એ જ છે જે ભારત સરકારનું છે. આખરે, ભારતે પોતાનું હિત જોવું પડશે. કારણ ક, ભારત એક મોટો દેશ છે જ્યાં તે સામાન્ય રીતે અન્ય દેશો સાથે સંબંધો રાખશે, એમ તેમણે ઉમેર્યું. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તે એટલું નાનું અને નિર્ભર નથી કે તેના સંબંધો માત્ર એક સાથે હોય અને અન્ય કોઈ સાથે નહીં.
મજબૂત ભારત-યુએસ સંબંધો માટે સમર્થન
પોતાની વાત સ્પષ્ટ કરતાં તેણે કહ્યું, 'અમે હંમેશા આ પ્રકારનો સંબંધ રાખીશું. કેટલાક લોકો સાથે આપણા સંબંધો વધુ સારા હશે, તો કેટલાક સાથે આપણા સંબંધો હશે. તેથી તે પ્રકારનું સંતુલન છે.રાહુલે ભારત અને યુએસ વચ્ચેના મજબૂત સંબંધોને સમર્થન આપ્યું હતું, જ્યારે ડેટા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે ઉત્પાદન અને સહયોગની જરૂરિયાતને પણ રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ દ્વિપક્ષીય સંબંધોમાં માત્ર સુરક્ષા અને સંરક્ષણના પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવું પૂરતું નથી.