PM Modi In Amreli: સૌરાષ્ટ્રને રૂ. 4800 કરોડનાં વિકાસના કાર્યોની PMની ભેટ, સંબોધનમાં કરી આ મોટી વાત
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમરેલી જિલ્લાને પણ વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ અમરેલીમાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું છે
અમરેલીના કાર્યક્રમમાં પીએમ મોદીના હસ્તે અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓના રૂ. 4800 કરોડના 1600 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામોમાં જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતના કામોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી મોદીએ લોકોને સંબોધન કરતા કહ્યું, રાજ્યના અનેક વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણનો આજે અવસર મળ્યો છે. આપણા વડોદરામાં દેશની એવી એક ફેક્ટરીનું ઉદ્ધાટન થયું છે. જેમાં આપણી વાયુસેના માટે હવાઈ જહાજ બનાવવામાં આવશે. PM મોદીએ વધુમાં કહ્યું કે, મને અહીં અમરેલીમાં આવીને ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો મહત્વનો અવસર મળ્યો છે. આ તમામ વિકાસ કાર્યો સૌરાષ્ટ્ર કચ્છ માટે ઉપયોગી સાબિત થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે હતા. અહીં તેમણે પહેલા વડોદરામાં એરક્રાફ્ટના યુનિટનું સ્પેનના PM સાથે સંયુક્ત ઉદ્ઘાટન કર્યું. આ બાદ તેઓ અમરેલી પહોંચ્યા હતા. અહીં તેમણે 4800 કરોડની વિવિધ યોજનાઓનું શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન PM મોદીએ અમરેલીની ધરતી પરથી તેનો ઈતિહાસ, પાણી માટે ગુજરાતની અગાઉની સ્થિતિ વિશે વાત કરી હતી. આ સાથે જ તેમણે બે દિવસ બાદ ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. દરમિયાન તેમણે આગામી સમયમાં ગુજરાતના બંદરોને દેશના બંદરો સાથે જોડવાના પોતાના પ્લાન અંગે પણ વાત કરી હતી.