Navratri 2024: નવ દિવસ સુધી નવરાત્રિમાં દેવીના આ 9 સ્વરુપોની કરવામાં આવે છે પૂજા, જાણો
આ 9 દિવસોમાં શક્તિની આરાધના કરવી જોઈએ જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ બનેલું રહે. નવરાત્રિના 9 દિવસ દેવીના અલગ અલગ સ્વરુપોની પૂજા કરવામાં આવે છે.
![Navratri 2024: નવ દિવસ સુધી નવરાત્રિમાં દેવીના આ 9 સ્વરુપોની કરવામાં આવે છે પૂજા, જાણો Navratri 2024 worship 9 forms of goddess on nine days of navratri Navratri 2024: નવ દિવસ સુધી નવરાત્રિમાં દેવીના આ 9 સ્વરુપોની કરવામાં આવે છે પૂજા, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/20/389f6a24e70f2e3c9af6ad435aebe46a172682839830978_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત ગુરુવાર 03 ઓક્ટોબર 2024 થી થઈ રહી છે જે શનિવાર 12 ઓક્ટોબર 2024 ના રોજ સમાપ્ત થશે. નવરાત્રિ શક્તિની આરાધનાનો પર્વ છે. આ 9 દિવસોમાં શક્તિની આરાધના કરવી જોઈએ જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ બનેલું રહે. નવરાત્રિના 9 દિવસ દેવીના અલગ અલગ સ્વરુપોની પૂજા કરવામાં આવે છે. પ્રથમ દિવસે શૈલપુત્રી માતા દેવી દુર્ગાના નવા સ્વરૂપોમાં પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીનું છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી લેવામાં આવ્યું છે. હિન્દીમાં શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે દીકરી. માતા શૈલપુત્રીને સતી ભવાની, માતા પાર્વતી, હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા
નવરાત્રિની શરુઆતના દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે અને તેમના આ સ્વરૂપની સવારી નંદી છે. માં શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે.
બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા
નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા ત્યારે તેમનું બ્રહ્મચારિણી રૂપ જાણીતું બન્યું હતું. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ.
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા
આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ ચંદ્રઘંટા પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધ ચંદ્ર આ વાતનો સાક્ષી છે. આ દિવસે ભૂરા રંગના કપડાં પહેરી શકાય.
ચોથા દિવસે માતા કુષ્માન્ડાની પૂજા
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માન્ડાની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં થયેલા માતાના આ સ્વરૂપના વર્ણન મુજબ માતા કુષ્માન્ડા સિંહની સવારી કરે છે અને તેમની આઠ ભુજાઓ છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે. માતા કુષ્માન્ડાને નારંગી રંગ પસંદ છે.
પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા
આ દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. આથી સ્કંદ માતા હોવાના કારણે માતાનું આ નામ પડ્યું છે. માતાના આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે. માતા પોતાના પુત્રને લઈને સિંહની સવારી કરે છે. આ દિવસે સફેદ અને લાલ રંગના કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે.
છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા
નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની દુર્ગા માતાનું સ્વરૂપ છે. જે સાહસનું પ્રતીક છે. માતા સિંહ પર સવાર હોય છે અને તેમની ચાર ભુજાઓ છે. આ દિવસે લીલો રંગ શુભ મનાય છે.
સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા
નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ માતાનું ઉગ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ-નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમનો રંગ અશ્વેત થઈ ગયો હતો. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરી શકાય છે.
આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા
નવરાત્રિના તહેવારમાં આઠમના દિવસનું સૌથી વધુ મહત્વ છે. આ દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. આ દિવસે અષ્ટમી પણ ઉજવવામાં આવશે. આ દિવસે મોટા મંદિરોમાં હવન-યજ્ઞ કરવામાં આવે છે.
નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા
નવરાત્રિના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે. આ દિવસે રીંગણી રંગના કપડાં પહેરવા શુભ મનાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)