Navratri Culture: નવરાત્રીના 9 દિવસ શક્તિના આ નવ સ્વરુપની થાય છે પૂજા, આ રંગનાં વસ્ત્રોનું છે મહત્વ
Navratri Culture: મહિષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે માં શક્તિએ 9 દિવસ યુદ્ધ કર્યું હતું. આ 9 દિવસના યુદ્ધ મુજબ નવ દિવસ સુધી દેવી શક્તિની પુજા કરવા માટે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.
Navratri Culture: મહિષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે માં શક્તિએ 9 દિવસ યુદ્ધ કર્યું હતું. આ 9 દિવસના યુદ્ધ મુજબ નવ દિવસ સુધી દેવી શક્તિની પુજા કરવા માટે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન માં દેવી શક્તિનાં 9 સ્વરુપની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માં શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. ત્યારે આવો જાણીએ કયા દિવસે માં શક્તિના ક્યા સ્વરુપની પુજા કરવામાં આવે છે.
પ્રથમ દિવસઃ
નવરાત્રીની શરુઆતના દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે અને તેમના આ સ્વરૂપની સવારી નંદી છે. માં શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે.
બીજો દિવસ:
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા ત્યારે તેમનું બ્રહ્મચારિણી રૂપ જાણીતું બન્યું હતું. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ.
ત્રીજો દિવસ:
આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ ચંદ્રઘંટા પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધ ચંદ્ર આ વાતનો સાક્ષી છે. આ દિવસે ભૂરા રંગના કપડાં પહેરી શકાય.
ચોથો દિવસ:
નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માન્ડાની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં થયેલા માતાના આ સ્વરૂપના વર્ણન મુજબ માતા કુષ્માન્ડા સિંહની સવારી કરે છે અને તેમની આઠ ભુજાઓ છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે. માતા કુષ્માન્ડાને નારંગી રંગ પસંદ છે.
પાંચમો દિવસ:
આ દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. આથી સ્કંદ માતા હોવાના કારણે માતાનું આ નામ પડ્યું છે. માતાના આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે. માતા પોતાના પુત્રને લઈને સિંહની સવારી કરે છે. આ દિવસે સફેદ અને લાલ રંગના કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે.
છઠ્ઠો દિવસ:
નવરાત્રીના છઠ્ઠો દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે. જે સાહસનું પ્રતીક છે. માતા સિંહ પર સવાર હોય છે અને તેમની ચાર ભુજાઓ છે. આ દિવસે નીલો રંગ શુભ મનાય છે.
સાતમો દિવસ:
નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ માતાનું ઉગ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ-નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમનો રંગ અશ્વેત થઈ ગયો હતો. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરી શકાય.
આઠમો દિવસ:
નવરાત્રીના તહેવારમાં આઠમના દિવસનું સૌથી વધુ મહત્વ છે. આ દિવસે માં મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. આ દિવસે અષ્ટમી પણ ઉજવવામાં આવશે. આ દિવસે મોટા મંદિરોમાં હવન-યજ્ઞ કરવામાં આવે છે.
નવમો દિવસ:
નવરાત્રીના નવમા દિવસે માં સિદ્ધિદાત્રીની પુજા થાય છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂળ પર બિરાજમાન છે. આ દિવસે રીંગણી રંગના કપડાં પહેરવા શુભ મનાય છે.