Shraddha Case: દિલ્હી પોલીસનો મહારાષ્ટ્રના પાલઘરમાં સપાટો, આફતાબનો આખો પરિવાર છૂમંતર
દિલ્હી પોલીસે પાલઘરમાં 4 લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાંથી 2 વ્યક્તિ પાસેથી 27 વર્ષીય શ્રદ્ધા વાલકરે 2020માં સહ-જીવન સાથી (લિવ-ઇન પાર્ટનર) આફતાબ પૂનાવાલા દ્વારા હુમલો કર્યા બાદ મદદ માંગી હતી.
Shraddha Murder Case: ચકચારી એવા શ્રદ્ધા હત્યાકાંડમાં દિલ્હી પોલીસે હવે નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. દિલ્હી પોલીસની ટીમે મહારાષ્ટ્રના પાલઘરમાં 4 લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાંથી 2 વ્યક્તિ એવા છે જેમની પાસેથી 27 વર્ષીય શ્રદ્ધા વાલકરે 2020માં સહ-જીવન સાથી (લિવ-ઇન પાર્ટનર) આફતાબ પૂનાવાલા દ્વારા હુમલો કર્યા બાદ મદદ માંગી હતી. જ્યારે અન્ય 2 વ્યક્તિઓના નિવેદનો રેકોર્ડ કર્યા છે તેમાં એક મુંબઈના કોલ સેન્ટરનો ભૂતપૂર્વ મેનેજર છે. જ્યાં શ્રદ્ધા કામ કરતી હતી અને બીજી તેની મિત્ર છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના બાદ આફતાબ પૂનાવાલાના પરિવારના સભ્યો મુંબઈ નજીક આવેલા મીરા રોડ બિલ્ડિંગમાંથી કોઈ અજાણી જગ્યા ભાગી ગયા છે. હજી સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. આ પરિવાર ગયા મહિને જ આ બિલ્ડિંગમાં રહેવા આવ્યો હતો. તો દિલ્હી પોલીસની બીજી એક ટીમ શ્રદ્ધાના મૂળ ગામ પાલઘર જિલ્લાના વસઈના માણિકપુરમાં છે. શ્રદ્ધા અને આફતાબ દિલ્હી જતા પહેલા અહીં રોકાયા હતા.
2 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જે બે સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે તેમની ઓળખ રાહુલ રાય અને ગોડવિન તરીકે થઈ છે. તે બંને વસઈ વિસ્તારના રહેવાસી છે. એક વ્યક્તિ રિક્ષાચાલક છે જ્યારે બીજો હાલમાં બેરોજગાર છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 2020માં વસઈ નજીક આફતાબ પૂનાવાલા દ્વારા તેણીને માર મારવામાં આવ્યા બાદ શ્રદ્ધાએ આ બંને (સાક્ષીઓ) પાસેથી મદદ માંગી હતી અને તે સમયે બંનેએ તેની મદદ કરી પણ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવારે મુંબઈ પહોંચેલી દિલ્હી પોલીસની 4 સભ્યોની ટીમે અગાઉ શ્રદ્ધાના મિત્ર લક્ષ્મણ નાદરનું નિવેદન નોંધ્યું હતું. મીરા રોડ, ભાયંદર, વસઈ, વિરારના એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે શનિવારે હાઉસિંગ સોસાયટીના કેટલાક પદાધિકારીઓ સાથે પણ વાચીત કરી હતી અને પૂનાવાલાના ફ્લેટ પર ગઈ હતી જ્યાં તાળું હતું. શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે શનિવારે દાવો કર્યો હતો કે, તેઓ અગાઉ વસઈમાં આફતાબના ઘરે ગયા હતા, પરંતુ તેમના પરિવારના સભ્યો દ્વારા તેમનું અપમાન કરવામાં આવ્યું હતું અને ફરીથી અહીં ન આવવાની ચેતવણી આપી હતી.
દિલ્હી પોલીસની ટીમના મુંબઈમાં ધામા
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પૂનાવાલાએ 18 મેના રોજ કથિત રીતે શ્રદ્ધાનું ગળું દબાવી તેની હત્યા કરી હતી અને ત્યાર બાદ તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. શ્રદ્ધાના શરીરના આ ટુકડાને તેણે દક્ષિણ દિલ્હીના મહેરૌલી સ્થિત તેના નિવાસસ્થાને લગભગ ત્રણ અઠવાડિયા સુધી ફ્રિઝમાં સંઘરી રાખ્યા હતાં. ઘણા દિવસો સુધી અડધી રાત્રે બહાર નિકળીને શહેરભરમાં તેને ફેંકતો રહ્યો હતો. આ કેસમાં પુરાવા શોધવા દિલ્હી પોલીસે શુક્રવારે પોતાની ટીમ મહારાષ્ટ્ર, હરિયાણા અને હિમાચલ પ્રદેશ એમ ત્રણ રાજ્યોમાં મોકલી આપી હતી. પોલીસ અધિકારીઓએ ગુરુગ્રામમાં શરીરના કેટલાક અંગો જપ્ત કર્યા હતા.
શ્રદ્ધાના પિતાએ અશ્રુભરી આંખે કહ્યું કે...
શ્રદ્ધાના પિતાએ એબીપી ચેનલ સાથેનીવાતચીતમાં કહ્યું હતું કે, તેમની દિકરી દિલ્હી ક્યારે ચાલી ગઈ એ તેમને ખબર જ નહોતી. જ્યાં આ વર્ષે મે મહિનામાં જ તેની હત્યા નિપજાવવામાં આવી. તેમણે શ્રદ્ધાને ન્યાય અપાવવા અને આ જઘન્ય અપરાધ બદલ આફતાબ માટે આકરામાં આકરી સજાની માંગ કરી હતી.