સાહિત્યના નિષ્ણાતો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોએ કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ 2023ના પ્રથમ દિવસે બદલાતા સમયની સાથે તેમની વિકાસયાત્રા અંગે જાણકારી આપી
આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે સિનેમા, સાહિત્યના વિશ્વ, બ્રાન્ડિંગ વગેરે જેવા વિષયો પર અદભૂત સંવાદ થયો હતો
અમદાવાદ, 10 ફેબ્રુઆરી, 2023: શુક્રવારના રોજ ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલા કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસમાં સાહિત્યના નિષ્ણાતો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો વચ્ચે સ્વસ્થ સંવાદની સાથે કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ (કેએલએફએફ) 2023નો ધમાકેદાર પ્રારંભ થયો હતો. કર્ણાવતી યુનિવર્સિટી એ રાજ્યની ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણમાં શ્રેષ્ઠતા અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત છે. આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે સિનેમા, સાહિત્યના વિશ્વ, બ્રાન્ડિંગ વગેરે જેવા વિષયો પર અદભૂત સંવાદ થયો હતો.
હાલમાં જ ભવ્ય સફળતા હાંસલ કરનારી ફિલ્મ ‘અવતાર ધી વે ઑફ વૉટર’ સાથે સંકળાયેલા અમેરિકાના એક્ઝિક્યુટિવ ફિલ્મ પ્રોડ્યૂસર શ્રી ડેવિડ વાલ્ડેસે ‘ફ્રોમ હૉલિવૂડ વિથ લવ’ થીમ પરના સેશનને સંબોધ્યું હતું. આ સેશન દરમિયાન તેમણે ક્લિન્ટ ઇસ્ટવૂડ સાથે કામ કરવાના તેમના અનુભવને અને તેમણે તેમની સાથે 17 ફિલ્મ કેવી રીતે કરી તથા ક્લિન્ટે એક અભિનેતા તરીકે પોતાની કારકિર્દી કેવી રીતે શરૂ કરી અને તેમાંથી તેઓ ડિરેક્ટર કેવી રીતે બન્યાં તે વાતને શૅર કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ‘હું મારા જીવનમાં ક્યારેય સૂટ પહેરીને નવથી પાંચ વાગ્યાની નોકરી કરવા માંગતો નહોતો. હું સ્વભાવે સર્ફર છું. હું કલાકારોના પરિવારમાંથી આવું છું, જેઓ પોતાના પ્રોજેક્ટ પર આકરી મહેનત કરવા ટેવાયેલા છે. જ્યારે હું ભણવા માટે કેનેડા ગયો ત્યારે ભલે મેં ફિલ્મો વિશે ત્યાં કંઈ શીખ્યું ન હોય પરંતુ હું રંગભૂમિ વિશે ઘણું શીખ્યો. હું અભિનેતા બનવા માંગતો નહોતો પરંતુ ડિરેક્ટર બનવા માટે મારે એક્ટિંગનો કૉર્સ પણ કરવો પડ્યો પરંતુ તે ખરેખર એક અદભૂત અનુભવ સાબિત થયો અને મને અભિનેતાઓના દ્રષ્ટિકોણ અંગે પણ જાણવા મળ્યું.’
કેન્સલ કલ્ચરની પરિસ્થિતિ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ફિલ્મો જવાબદારીપૂર્વક અને યોગ્ય રીતે બનાવવી જોઇએ, મારો ઇરાદો ક્યારેય કોઇની લાગણીઓ દુભાવવાનો રહ્યો નથી. હું બહોળા દર્શકવર્ગ માટે ફિલ્મો બનાવું છું, કોઈ એક ચોક્કસ વર્ગ માટે નહીં. હું ફિલ્મો બનાવતી વખતે વ્યવહારું અને વાસ્તવિક નિર્ણયો લઉં છું. તમે સંકુચિત દ્રષ્ટિકોણ રાખી શકો નહીં.’
‘ઇધર-ઉધર કી બાતેં’ નામના એક સેશન દરમિયાન થયેલી અનૌપચારિક વાતોમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા શ્રી રજિત કપૂરે હાલના અત્યંત વેગીલા ડિજિટલ વિશ્વમાં રંગભૂમિની જરૂરિયાત શા માટે છે, તેના અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘રંગભૂમિ દર્શકોને કલ્પના કરવા પ્રેરે છે. તેની આ જ તો સુંદરતા છે. તમે કંઈ પણ રચી શકો છો. ઘણાં લોકો શીખેલું ભૂલવા અથવા ફરીથી શીખવા માટે રંગભૂમિના દ્વારે જતાં હોય છે. નાના અને મોટા નગરોએ પર્ફોમ કરવા માટે નાની-નાની જગ્યાઓનું નિર્માણ કર્યું છે. અત્યાર સુધી ભારતમાં આ વલણ સામાન્ય રીતે જોવા મળતું નહોતું. ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં વખારો અને ગેરેજોને રંગભૂમિ માટેની જગ્યાઓમાં ફેરવી નાંખવી એ ખૂબ જ સામાન્ય બાબત છે. આ વલણ રંગભૂમિના વિકાસમાં મદદરૂપ થશે. રંગભૂમિનું અસ્તિત્ત્વ જોખમાશે નહીં. ટેકનોલોજીના ઝડપી સમયમાં માનવ સંપર્ક અને સંસર્ગની તાતી જરૂરિયાત છે અને રંગભૂમિ જ તેને જીવંત બનાવશે.’
‘પિન્ડ્સ ઑફ પંજાબ’ સેશનમાં પોતાના વિચારો રજૂ કરતાં ભારતીય ફિલ્મ અભિનેતા શ્રી પવન મલ્હોત્રાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની વિકાસયાત્રા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આટલા વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે. પરિવર્તન હંમેશા સકારાત્મક હોય છે. એક સમયે એવો હતો જ્યારે હું તમામ પ્રકારના ડિરેક્ટરો પાસે કામ માંગવા જતો હતો પરંતુ કોઇએ પણ મને કામ આપ્યું નહોતું. પણ બધું જ યોગ્ય સમયે ઠરીઠામ થઈ ગયું. મેં જે કંઇપણ કામ કર્યું છે, તે મને સામેથી મળ્યું છે. એક અભિનેતા તરીકે ચીજોને તમારી પ્રગતિમાં કાર્યસાધક બનાવવી તે ખૂબ જ જરૂરી છે અને દરેક કામ નવા અભિગમની સાથે કરવું જોઇએ. હું ભલે વર્ષોથી અભિનય કરતો હોઉં પણ દરેક શૉટ, દરેક સ્ક્રિપ્ટ એક નવો પડકાર હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ જ તો સુંદરતા છે. તેનાથી તમે હંમેશા કંઇને કંઈ નવું શીખતા અને પ્રગતિ સાધતા રહો છો.’
‘કલાકારી’ થીમ પરની ચર્ચાના ભાગરૂપે જાણીતી અભિનેત્રી સુશ્રી સ્વસ્તિકા મુખરજીએ પોતાની વિકાસયાત્રામાં તેમણે કેવી રીતે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઈ, તેના વિશે વાત કરી હતી. આ જ સેશનમાં સુશ્રી અન્વિતા દત્તાએ પણ વાર્તા કહેવાના મહત્ત્વ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘કોઇપણ પ્રયાસમાં સૌથી વધુ પ્રાથમિક બાબત સ્ટોરી છે. તમે જેટલું વધુ વાંચો છો, તમારી કલ્પનાશક્તિ પણ એટલી જ વધારે ખીલે છે. તમે જેમ-જેમ વાંચતા જશો, તેમ-તેમ તમે વધુને વધુ અન્વેષણ કરશો.’
જાણીતા પટકથા લેખક શ્રી અંજુમ રજબલીએ ‘રાજનીતિ ઑફ સ્ક્રીન રાઇટિંગ’ પરના સેશનને સંબોધ્યું હતું. પટકથા લેખનની કલાને સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, ‘અણધારી બાબતોને બહાર લાવવી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અહીંથી જ વાર્તાની શરૂઆત થાય છે - જ્યારે જીવનનું સંતુલન ખોરવાય છે. તમે જ્યારે પણ સ્ટોરી લખો છો, ત્યારે તમે તેને કોના માટે લખી રહ્યાં છો તે જાણવું અને તદનુસાર તેની પરિકલ્પના કરવી એ ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, તમે જ્યારે હાલના દર્શકો માટે લેજેન્ડ્સ ઑફ ભગતસિંહ જેવી વાર્તા લખી રહ્યાં હો ત્યારે તમારે તદનુસાર તેની કલ્પના કરવી જોઇએ. અહીં સંશોધનનું મહત્ત્વ વધી જાય છે. મને સંશોધન કરવા માટે 11 મહિનાનો સમય લાગ્યો હતો અને લખવામાં છ મહિના જ લાગ્યાં હતાં.’
લેખિકા સુશ્રી પ્રીતિ શીનૉય અને શિક્ષણવિદ્ ડૉ. શુભા નિગમે લેખનકાર્યમાં ‘લવ સેક્સ ધોખા’ની થીમ પર જકડી રાખનારી ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયાના યુગમાં થઈ રહેલી આક્રામક ટીકાઓ પર વાત કરતાં સુશ્રી પ્રીતિ શીનૉયે જણાવ્યું હતું કે, ‘પુસ્તક લખતી વખતે તમારી સ્પર્ધા અન્ય લેખકો સાથે નથી હોતી પરંતુ સેલ ફોન સાથે હોય છે. આજે સોશિયલ મીડિયા પર કોઇને પણ ટ્રૉલ કરવું ખૂબ જ સરળ બની ગયું છે. આ બધી બાબતોથી હું પ્રભાવિત થાઉં નહીં તેની મેં ખાતરી કરી છે. જો ટીકા યોગ્ય કારણોસર હોય તો, આગામી પુસ્તકમાં આવી કોઈ ભૂલ ન થાય તેની હું ખાતરી કરીશ. વ્યક્તિનો વિકાસ આ જ રીતે થાય છે.’
‘આરઆઇપી બ્રાન્ડિંગ’ પર વાત કરતી વખતે લેખક એમ. જી. ‘અમ્બી’ પરમેશ્વરને બ્રાન્ડિંગના સરળ અભિગમ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ ખૂબ જ સરળ કવાયત છેઃ પોતાની જાતને ચાર શબ્દોમાં વર્ણવો, શું આ ચાર શબ્દો ખરેખર તમારું વર્ણન કરે છે, તેવો પ્રશ્ન પોતાને પૂછો, આ બાબત પર માન્યતાની મહોર લગાવવા તમે જે વ્યક્તિ પર વિશ્વાસ રાખતા હો તેને આ અંગે પૂછો અને તમારી આ ‘બ્રાન્ડ’ પર ખરાં ઉતરો. થોડાં-થોડાં સમયે તમારી આ ખાસિયતોને ફરીથી પ્રમાણિત કરતાં રહો. યુવા પેઢીએ તેમની પોતાની ‘બ્રાન્ડ’ને પસંદ કરી તેનું અનુસરણ કરવું જોઇએ. સભાનતા કેળવવી એ ખૂબ જ આવશ્યક અને સારી બાબત છે.’
ભારતીય અભિનેત્રી અને મોડેલ સુશ્રી પ્રિયંકા બોઝ; વોઇસ ઓવર આર્ટિસ્ટ અને અભિનેતા શ્રી વિજય વિક્રમસિંહની સાથે ભારતીય ફિલ્મ અને રંગભૂમિના વિવેચક શ્રી અજિત રાય; જાણીતા લેખકો - શ્રી ઋષિકેશ સુલભ, સુશ્રી પ્રીતિ શીનૉય, આનંદ રંગનાથન; લેખક અને પાકકળાના વિવેચક જિજ્ઞેશ વસાવડા; શિક્ષણવિદ્ ડૉ. શુભા નિગમ; રેડિયો જૉકી અને કલાકારો ક્ષિતિજ બેંકર અને દેવકી તથા ઉદ્યોગસાહસિક શ્રી ચિરંજીવ પટેલ આ સેશનના મહત્ત્વના વક્તાઓ હતાં.
કેએલએફએફ 2023 એ એક ઉત્સવી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય આશ્ચર્યજનક સર્જનાત્મક મુલાકાતો દ્વારા સાહિત્ય, ફિલ્મ, રંગભૂમિ, લોકકલા અને સંસ્કૃતિના જેવા ક્ષેત્રોના ફલકને વિસ્તારવાનો છે. આ ફેસ્ટિવલમાં વક્તાઓના જકડી રાખનારા સત્રો, સંવાદાત્મક પેનલ ચર્ચાઓ, કાર્યશાળાઓ અને અનેકવિધ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવશે.
કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી યુનિવર્સિટીમાં અમારો એવો નિરંતર પ્રયત્ન રહ્યો છે કે, વિવિધ વિષયો પર અર્થપૂર્ણ વાર્તાલાપો અને સંવાદો માટે વિવિધ પ્રકારના પ્લેટફૉર્મની રચના કરવામાં આવે. આપણે દિવસેને દિવસે સોશિયલ મીડિયા અને માહિતીની ભરમારના યુગમાં સતત પરિવર્તનશીલ વિશ્વને અપનાવી રહ્યાં છે અને તેમાં સંલગ્ન થઈ રહ્યાં છીએ, જેમાં એકાગ્રતા દિવસને દિવસે ઘટી રહી છે, ત્યારે કેએલએફએફ એ વાર્તાકારો, લેખકો અને ઓરિજિનલ કન્ટેન્ટ રચયિતાઓના દ્રષ્ટિકોણો અને વિચારોને પરત લાવવાનો એક પ્રયત્ન છે, જેઓ આપણા રોજિંદા જીવન, આપણી આસપાસની દુનિયામાંથી અને એટલું જ નહીં વૈકલ્પિક વાસ્તવિકતાઓમાંથી વાર્તાઓને શોધવા અને કહેવા માટે સતત રચનાત્મક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહે છે.’