અમદાવાદમાં વધુ એક આગનો બનાવ: ખોખરામાં અનુપમ સિનેમા પાસે એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, લાખોનું નુકસાન
શરણમ-૫માં જીન્સના વર્કશોપમાં આગ, ફાયરબ્રિગેડની ૧૫થી વધુ ગાડીઓ અને ૫૦ જવાનોએ બે કલાક બાદ મેળવ્યો કાબૂ; ગેરકાયદે બાંધકામ હોવાનું તારણ.

Property damage Ahmedabad fire: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ સિનેમા પાસેના શરણમ-૫ નામના એપાર્ટમેન્ટમાં આજે બપોરે આગ (Ahmedabad fire incident) લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે.
મળતી માહિતી મુજબ, ખોખરા (Khokhara apartment fire) વિસ્તારમાં શરણમ-૫માં ચોથા માળે ૪૦૧ નંબરની દુકાનમાં જીન્સના વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી, અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે, આગની તીવ્રતા જોતા વધુ ગાડીઓની મદદ લેવામાં આવી હતી. આખરે ૭ ગજરાજ સહિત 21થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ અને ૫૦ જેટલા જવાનોએ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતાની સાથે જ દુકાનમાં હાજર ચાર લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. જો કે, આગના કારણે દુકાનમાં રાખેલો માલસામાન અને મશીનરી સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગની ઘટના બાદ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદના ખોખરા ખાતે આવેલા શરણમ-૫માં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. પાંચ માળના પાકા બાંધકામ પર એક માળનો ગેરકાયદે શેડ ઊભો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પ્લાન મુજબ બતાવાયેલા ધાબા પર પણ ગેરકાયદે શેડ ઊભો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. આ ગેરકાયદેસર શેડને અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સીલ પણ મારવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે અને કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે હજુ પણ સમય લાગશે. આગને બુઝાવવા માટે અત્યાર સુધીમાં ૨ લાખ લીટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે હાજર છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ ઘટનાએ શહેરમાં ગેરકાયદે બાંધકામની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરી છે.

