બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે
આગામી બજેટમાં આવકવેરામાં મોટા ફેરફારોની સંભાવના, વપરાશ વધારવા સરકારનું પગલું

Budget 2025 tax expectations: બજેટ ૨૦૨૫ને લઈને કરદાતાઓની ઉત્સુકતા વધી રહી છે. એવા અહેવાલો છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટા ફેરફારો કરી શકે છે. બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ, સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે સરકાર ૧૦ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકને કરમુક્ત કરી શકે છે અને ૧૫ લાખથી ૨૦ લાખ રૂપિયા સુધીની આવક માટે ૨૫% નો નવો ટેક્સ સ્લેબ લાવી શકે છે.
સરકારના વિકલ્પો:
સરકાર હાલમાં બે વિકલ્પો પર વિચાર કરી રહી છે:
૧૦ લાખ સુધીની વાર્ષિક આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરવી.
૧૫ લાખથી ૨૦ લાખ રૂપિયાની આવક માટે ૨૫% નો નવો ટેક્સ સ્લેબ લાગુ કરવો.
હાલમાં, નવી કર વ્યવસ્થામાં ૧૫ લાખથી વધુની આવક પર ૩૦% ટેક્સ લાગે છે. સરકાર આ ફેરફારો દ્વારા વપરાશ વધારવા માંગે છે. એવું માનવામાં આવે છે કે કર રાહતથી લોકોના હાથમાં વધુ પૈસા રહેશે, જેથી તેઓ વધુ ખર્ચ કરશે અને અર્થતંત્રને વેગ મળશે.
સરકારની તૈયારી
આવકવેરામાં રાહત આપવા માટે સરકાર ૫૦,૦૦૦ કરોડથી ૧ લાખ કરોડ રૂપિયા સુધીની આવકની ખોટ સહન કરવા તૈયાર છે. બજેટ ૨૦૨૪-૨૫માં નવી ટેક્સ પ્રણાલીમાં પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી હતી, જેના કારણે ૭.૭૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી.
નિષ્ણાતોના મંતવ્યો
PwCના સલાહકાર અખિલેશ રંજનના મતે, સરકાર માટે ૧૫ લાખથી ૨૦ લાખની વચ્ચે કમાણી કરનારાઓ માટે ૨૫% ટેક્સ સ્લેબ લાગુ કરવો વધુ ફાયદાકારક રહેશે. ટેક્સ ફર્મ વેદ જૈન એન્ડ એસોસિએટ્સના પાર્ટનર અંકિત જૈન જૂની ટેક્સ વ્યવસ્થાને પણ જાળવી રાખવાની ભલામણ કરે છે, કારણ કે તે કરદાતાઓના ભાડા, હોમ લોન અને અન્ય ખર્ચાઓને ધ્યાનમાં લે છે.
નવી કર વ્યવસ્થામાં ટેક્સના દર ઓછા છે, પરંતુ કરદાતાઓને મોટાભાગની કપાતનો લાભ મળતો નથી. તેથી, ઘણા કરદાતાઓ હજુ પણ જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરે છે. બજેટ ૨૦૨૫માં સરકાર કયો નિર્ણય લેશે તે જોવાનું રહેશે, પરંતુ કરદાતાઓ માટે આશાનું કિરણ ચોક્કસ દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો...
શું નાણામંત્રી નિર્મલા સીતારમણ જૂની ટેક્સ સિસ્ટમ નાબૂદ કરશે? શા માટે થઈ રહી છે આની ચર્ચા?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
