Union Budget 2023: એક કરતાં વધુ વીમો ધરાવનારાઓને બજેટમાં લાગ્યો મોટો આંચકો, આવી પોલિસી પર ચૂકવવો પડશે ટેક્સ
બજેટની દરખાસ્ત મુજબ, 1 એપ્રિલ, 2023 પછી જારી કરવામાં આવેલી તે તમામ જીવન વીમા પૉલિસી (ULIP સિવાય)ની પાકતી રકમ પર હવે ટેક્સ લાગશે જેનું વાર્ષિક પ્રીમિયમ 5 લાખ રૂપિયા કરતાં વધારે છે.
Union Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) એ બુધવારે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કર્યું. બજેટની જાહેરાત અનુસાર, 1 એપ્રિલ, 2023થી, વીમા પોલિસીમાંથી મળેલી પાકતી મુદતની રકમ પર ટેક્સ ચૂકવવો પડશે, જો કુલ વીમા પ્રીમિયમ વાર્ષિક પાંચ લાખ રૂપિયાથી વધુ હોય. આમાં યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (ULIP) નો સમાવેશ થતો નથી.
સામાન્ય બજેટ રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે જો 1 એપ્રિલના રોજ અથવા તે પછી જારી કરાયેલી વીમા પોલિસીઓ (યુલિપ સિવાય) માટેનું કુલ પ્રીમિયમ રૂ. 5 લાખથી વધુ હોય, તો માત્ર તે પોલિસીઓ કે જેનું પ્રીમિયમ રૂ. 5 લાખ સુધીનું છે, તેનાથી થનારી આવક પર છૂટ આપવાની જોગવાઈ કરવાની દરખાસ્ત છે.
આનાથી વીમાધારકના મૃત્યુ સમયે મળેલી રકમ પર આપવામાં આવેલી કરમુક્તિને અસર થશે નહીં. એટલે કે મૃત્યુ પર નોમિનીને મળેલી રકમ સંપૂર્ણપણે કરમુક્ત હશે. ઉપરાંત, તે 31 માર્ચ, 2023 સુધી જારી કરાયેલ વીમા પોલિસીને અસર કરશે નહીં.
સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર નિધિ મનચંદા, હેડ ઓફ ટ્રેનિંગ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ફિન્ટૂએ જણાવ્યું હતું કે જીવન વીમા પોલિસીની પાકતી મુદતની રકમ પર ટેક્સ લાદવો એ આ બજેટનો સૌથી મોટો આંચકો છે. તેમણે કહ્યું, "જો કોઈ વ્યક્તિ પાસે એક કરતાં વધુ જીવન વીમા પૉલિસી હોય, જે 1 એપ્રિલ, 2023ના રોજ અથવા તે પછી જારી કરવામાં આવી હોય. આ કિસ્સામાં, જો આવી પૉલિસીના પ્રીમિયમની કુલ રકમ રૂ. 5 લાખથી વધુ હોય તો પાકતી મુદતની રકમ પર ટેક્સ લાગશે."
બજેટની દરખાસ્ત મુજબ, 1 એપ્રિલ, 2023 પછી જારી કરવામાં આવેલી તે તમામ જીવન વીમા પૉલિસી (યુનિટ લિન્ક્ડ ઇન્શ્યોરન્સ પૉલિસી એટલે કે ULIP સિવાય)ની પાકતી રકમ પર હવે ટેક્સ લાગશે જેનું વાર્ષિક પ્રીમિયમ 5 લાખ રૂપિયા કરતાં વધારે છે.
બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાતની અસર શેરબજારમાં પણ જોવા મળી હતી અને જીવન વીમા ક્ષેત્ર સાથે જોડાયેલા શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજેટ પછી, HDFC લાઇફ ઇન્શ્યોરન્સના શેર 11 ટકા અને SBI લાઇફ ઇન્શ્યોરન્સ 10 ટકા ઘટ્યા હતા.
નોંધનીય છે કે, ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને મોટી રાહત આપી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કર મુક્તિ મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે.