Corona Vaccine: ગુજરાતની આ કંપનીને કોરોના વેક્સિનની ઈમરજન્સી એપ્રૂવલ મળવામાં વાર લાગશે ?
અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાની કોવિડ વેક્સિનને ઈમરન્જસી યૂઝની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસો લાગી શકે છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી આપી છે.
અમદાવાદઃ અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાની કોવિડ વેક્સિનને ઈમરન્જસી યૂઝની મંજૂરી મળવામાં હજુ થોડા દિવસો લાગી શકે છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી આપી છે. ઝાયડસ કેડિલાએ કોવિડ-19 વેક્સિનના ઈમરન્જસી યૂઝની મંજૂરી માટે જુલાઈ મહિનામાં અરજી કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તેણે કોવિડ-19 વેક્સિન ઝાયકોવ-ડીના ઈમરજન્સી વપરાશ માટે ડીસીજીઆઈની મંજૂરી માંગી છે.
કંપનીએ જણાવ્યું હતું કે, ભારતમાં 50થી વધારે કેન્દ્રો પર કોવિડ-19 વેક્સિનનું ક્લીનીકલ ટ્રાયલ કર્યુ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, કંપનીએ ઝાયકોવ-ડી માટે ડીસીજીઆઈ કાર્યાલયમાં ઈયૂએ માટે અરજી કરી છે. જે કોવિડ-19 સામે પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન છે. કેડિલા હેલ્થકેરના ડો. શર્વિલ પટેલના અનુસાર, જ્યારે વેક્સિનને મંજૂરી મળશે ત્યારે તે માત્ર વયસ્કોને જ નહીં પણ 12 થી 18 વર્ષના કિશોરોને પણ મદદ મળશે.
Emergency approval of Zydus Cadila's #COVID19 vaccine will take a few more days: Sources
— ANI (@ANI) July 12, 2021
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 15મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,154 નવા કેસ નોંધાયા હતા અને 39649 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી, જ્યારે 724 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 8 લાખ 32 હજાર 870
- કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 14 હજાર 713
- કુલ એક્ટિવ કેસ - 4 લાખ 50 હજાર 899
- કુલ મોત - 4 લાખ 8 હજાર 764
ગઈકાલે 14 લાખ 32 હજાર 343 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,73,52,501 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે 12,35,287 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળો પર લોકોની ભીડથી ફરી કેસો વધી શકે છે
હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે. સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં હજુ પણ કોરોનાની બીજી લહેર પુરી નથી થઇ, એવામાં માસ્ક ન પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું જોખમકારક સાબીત થઇ શકે છે. કોઇ પણ પ્રકારની બેદરકારીથી કોરોના વાઇરસ ફેલાવવાનું જોખમ વધી શકે છે. કેટલાક દેશોમાં બેદરકારી બાદ કોરોનાના કેસો વધ્યા હતા. જેમ કે બ્રિટનમાં યૂરો2020 ફૂટબોલ મેચ બાદ કોરોનાના કેસો વધી ગયા હતા. તેવી જ રીતે બાંગ્લાદેશમાં પણ બીજી લહેર બાદ ત્રીજી લહેર આવી અને આ દરમિયાન કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેને પગલે બાંગ્લાદેશે પુરા દેશમાં લોકડાઉન લાગુ કરવું પડયું હતું.