Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
ગાંધીનગર: તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તેની પર દાદાનું બુલડોઝર તો ફરશે જ, આવા ટપોરીઓ પર લેવાયેલા કડક પગલાંથી ખુશ થવાને બદલે વિપક્ષ દુ:ખી થાય છે.

ગાંધીનગર: હાલમાં રાજ્યમાં અસામાજીક તત્વો પર કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે કે આવા તત્વોએ સરકારની રિઝર્વ જગ્યાઓ પર ઉભા કરી દીધેલા મકાન-ચાલીઓ પર બુલડોઝર ફેરવવામાં આવે ત્યારે વિપક્ષનો સુર બદલાઇ જાય છે. જે લોકો રાત્રે લુખ્ખા તત્વો લાગતા હતા તે જ લોકો વિપક્ષને સવારે ગરીબ દેખાય છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તેની પર દાદાનું બુલડોઝર તો ફરશે જ, આવા ટપોરીઓ પર લેવાયેલા કડક પગલાંથી ખુશ થવાને બદલે વિપક્ષ દુ:ખી થાય છે. ઘટનાનાં કલાકોમાં જ અસામાજિક તત્વોને પકડીને તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે. શહેરના રસ્તાઓને બાનમાં લેનારા આવા તત્વોને જે ભાષામાં સમજ પડતી હતી, તે ભાષામાં ગુજરાત પોલીસે કાયદાની મર્યાદામાં સમજાવ્યા છે. અને હજુ પણ આવા તત્વો સામે ગુજરાત પોલીસ આ જ પ્રકારે કડક પગલા લેશે.
સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રગ્સ પકડનાર રાજ્ય ગુજરાત છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી છે ત્યારે મંત્રીએ કહ્યુ કે, આગામી ટુંક સમયમાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના કોઇ પણ ખૂણેથી કોઇ પણ નાગરિક ડ્રગ્સની નાનામાં નાની માહિતી ગુપ્ત રીતે આપી શક્શે. આ તમામ માહિતી અંગે થયેલી કાર્યવાહિનું મોનિટરીંગ છેક મુખ્યમંત્રી કક્ષાએથી થશે. ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી બન્યા ત્યારથી ત્રણ વર્ષના સમયગાળામાં ૧,૮૧૨ ગુનાઓમાં રૂ.૮,૫૪૭/-કરોડના મુદ્દામાલ સાથે ૨,૫૬૪ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આ ૨,૫૬૪ આરોપીઓ પૈકી ૧૦૫ વિદેશી છે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, અમે પોલીસને મજબુત બનાવવા તેની ક્ષમતા વધારવા ભાર મુકીએ છીએ. પોલીસ ફોર્સની માત્ર સંખ્યા ન વધે, પરંતુ તેની Size સાથે Skill (કદ સાથે કુશળતા) વધારી પોલીસકર્મીઓની Capacity Building પર ભાર મૂકવામાં આવે તેવું આયોજન અમારી સરકારે કર્યુ છે. એટલુ જ નહિ, વિકસીત ગુજરાત-૨૦૪૭ મિશન અંતર્ગત ગુજરાત પોલીસ તાલીમ અકાદમી, કરાઈ, ગાંધીનગર ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અતિ આધુનિક ઓલમ્પિક ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવનાર છે.

