Gandhinagar: હવે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીના સગાને મળશે ભોજન, OPDને લઈને પણ સરકારે લીધો મોટો નિર્ણય
ગાંધીનગર: રાજય સરકારે લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે.

ગાંધીનગર: રાજય સરકારે લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે અને રાજય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીની સાથેના એક સગાને બે ટાઇમ ભોજન અપાશે. આ ઉપરાંત રાજયની તમામ આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સીટીઝનોને અલાયદી સુવિધાઓ અપાશે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની આરોગ્યસેવાઓને ગુણવત્તા યુક્ત બનાવવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે રાજય સરકારે આરોગ્ય સેવાઓને સુદ્રઢ કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સામાન્ય જન, શ્રમજીવી પરિવારોને આરોગ્ય લક્ષી સેવાઓ નિષ્ણાંત તજજ્ઞો દ્વારા સાંજના સમયે તેમજ રવિવારે પણ મળી રહે તે હેતુસર સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો આ મહત્વનો નિર્ણય કર્યો છે.
તેની સાથે સાથે લેબોરેટરી, એક્સ-રે તપાસ, ફાર્મસી, ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર,સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે. તદઅનુસાર સવારની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવારથી રવિવાર) સવારે ૦૯.૦૦ થી ૦૧.૦૦ કલાક અને સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવારથી શનિવાર) સાંજે ૦૪.૦૦ થી ૦૮.૦૦ કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રહેશે.
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સુવિધાઓ પુરી પાડવા ઘણી બધી આરોગ્યલક્ષી સેવાઓમાં ઉતરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે કિસ્સાઓમાં ઉચ્ચ કક્ષાની સારવારની જરૂર હોય છે તેવા કિસ્સાઓમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલો અથવા મહાનગર ખાતેની હોસ્પિટલો ખાતે દાખલ થવાની જરૂર પડતી હોય છે. આવા સંજોગોમાં મોટા શહેરોમાં સામાજિક સગા સંબંધીઓના અભાવે ઘણીવાર દર્દી સાથે આવેલ સગાંને પૌષ્ટિક અને આરોગ્યલક્ષી તાજા ખોરાકની અસુવિધા અને નાણાકીય અગવડતાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્યની સબ ડીસ્ટ્રીકટ, ડીસ્ટ્રીકટ તેમજ મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે દાખલ દર્દી અને તેની સાથેના એક સગાને નિ:શુલ્ક બે ટાઈમ ભોજન મળી રહે તેવી સેવાકીય વ્યવસ્થા ઉભી કરાશે.
જે હોસ્પિટલોમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્દી અને દર્દીના સગાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવી સંસ્થાઓ સાથે જે તે હોસ્પિટલ દ્વારા ફરજિયાતપણે એમ.ઓ.યુ. કરી બેઠક વ્યવસ્થા તેમજ લાઇટ-પંખા તેમજ સ્વચ્છતાની જાળવણી સાથે જમવા માટે નિશ્ચિત જગ્યા ખાતે યોગ્ય આયોજન કરવામાં આવશે અને જે હોસ્પિટલોમાં આવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન વ્યવસ્થાનું આયોજન હાલમાં કરવામાં આવતું નથી ત્યાં હોસ્પિટલ દ્વારા સરકારી ખર્ચે આયોજન કરવામાં આવશે. તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરીટી દ્વારા સેવાભાવી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ ખાતેના રસોઇ ઘરની સમયાંતરે મુલાકાત લઈને અને દર્દી તેમજ તેના એક સગાને અપાતા ભોજનની ગુણવત્તાનું ચેકીંગ કરી સતત મોનીટરીંગ પણ કરવામાં આવશે.
રાજયમાં ૪૫૦ ઉપરાંત સી.એચ.સી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો અને મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો કાર્યરત છે. જેમાં હાલની ઓ.પી.ડીમાં દરરોજ ૧.૨૫ લાખથી ૧.૩૦ લાખ નાગરિકો ઓ.પી.ડીની સેવાઓનો લાભ લઈ રહ્યા છે.આ બે કલાકનો સમય વધારવાના લીધે દરરોજ ના ૩૫ થી ૪૦ હજાર નાગરિકો વધુ લાભ લઈ શકશે. રાજયના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્ય લક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો પણ મહત્વનો નિર્ણય કરાયો છે.
યોવૃધ્ધ વ્યક્તિઓ એટલે કે,૬૦ વર્ષ કે તેથી ઉપરની વયનાં લોકો માટે રાજ્યની તમામ જીલ્લાઓની સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો, પેટા જીલ્લા હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેંદ્રો તથા કોર્પોરેશન હસ્તકનાં અર્બન હેલ્થ સેંટરો તેમજ હોસ્પિટલો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે જે સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે જેમાં તમામ સરકારી હોસ્પિટલો તથા આરોગ્ય કેંદ્રો પર ઓ.પી.ડી., કેસબારી, ફિઝિયોથેરાપી સેંટર, લેબોરેટરી, દવા બારી વિગેરે સ્થળ પર વયોવૃધ્ધ વ્યક્તિઓને મુશ્કેલી ન થાય તે માટે અલગ લાઇનની વ્યવસ્થા કરાશે. જેમાં તેઓને વયોવૃધ્ધને પ્રાધાન્ય પણ અપાશે તથા શક્ય હોય તેવી જગ્યાએ અલાયદી ઓપીડી ની વ્યવસ્થા ઉભી કરાશે.
મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ,મ્યુ. કોર્પો. હોસ્પિટલ, જીલ્લા હોસ્પિટલ, પેટા જીલ્લા હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે વયોવૃધ્ધ વ્યક્તિઓ માટે અલગ વોર્ડ પણ નિયત કરાશે. જો તેમ શક્ય ન બને તો દરેક વોર્ડમાં ઓછામાં ઓછા બે બેડ(૨-પથારી) આરક્ષિત રાખવામાં આવશે. આ તમામ સેવાઓ અગેનાં સાઇનેજ બોર્ડ પણ લગાડવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
