News: બનાસકાંઠાની મહિલાઓને બનાસડેરીએ આપી મેમૉગ્રાફી વાનની ભેટ, હવે સ્તન અને ગર્ભાશયના કેન્સરનું કરાશે નિદાન
આજે બનાસકાંઠા જિલ્લાની બહેનો માટે મેમૉગ્રાફી વાનનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે
Mammography Van Inaugurated: બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરીએ એક ખાસ પ્રકારનો નવતર પ્રયોગ કર્યો છે. બનાસડેરીએ જિલ્લાની મહિલાઓ માટે ખાસ પ્રકારની મેમૉગ્રાફી વાન તૈયાર કરી હતી જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યુ છે, આ મેમૉગ્રાફી વાન દ્વારા જિલ્લાની બહેનોનું સ્તન અને ગર્ભાશયના કેન્સરનું નિદાન કરવામાં આવશે. આ મેમૉગ્રાફી વાનને એક કરોડના ખર્ચે અત્યાધૂનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ મેમૉગ્રાફી વાનનું લોકાર્પણ કર્યુ હતુ.
આજે બનાસકાંઠા જિલ્લાની બહેનો માટે મેમૉગ્રાફી વાનનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. જિલ્લાની મહિલાઓના આરોગ્ય માટે આ મેમૉગ્રાફી વાન તૈયાર કરાઇ છે. આજે બનાસડેરી દ્વારા તૈયાર કરાયેલી આ મેમૉગ્રાફી વાનનુ બનાસડેરી ચેરમેન શંકર ચૌધરીએ ઉદઘાટન કર્યુ હતુ. મહિલાઓના બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરનું આનાથી નિદાન કરવામાં આવશે. 1 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ મેમૉગ્રાફી વાનનો જિલ્લાની તમામ મહિલાઓને લાભ મળશે. દરેક ગામમાં જઈ મહિલાઓના બ્રેસ્ટ અને ગર્ભાશયની બાબતનું નિદાન થશે. પ્રાથમિક તબક્કામાં બ્રેસ્ટ અથવા ગર્ભાશયના સ્ટેનું નિદાન પણ થશે.
શંકર ચૌધરી... ભાજપના એવા દિગ્ગજ નેતા જેમને 27 વર્ષે શંકરસિંહને પડકાર ફેંક્યો, આજે છે વિધાનસભાના અધ્યક્ષ
ગુજરાતમાં અત્યારે ભાજપ પક્ષ સત્તામાં છે, અને સત્તામાં લાવવા માટે કેટલાય નેતાઓએ અથાક અને સખત પરિક્ષમ કર્યો છે. આમાં એક નામ ભાજપના દિગ્ગજ નેતા ગણાતા શંકર ચૌધરીનું પણ છે. શંકર ચૌધરી છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ માટે ખુબ જ મહેતન કરી રહ્યાં છે. શંકર ચૌધરી હાલમાં ગુજરાત વિધાનસભામાં સ્પીકર તરીકે કામગીરી સંભાળી રહ્યાં છે. ચાલો જાણીએ શંકર ચૌધરીની રાજકીય કેરિયર વિશે....
શંકર ચૌધરીના જીવનની વાત કરીએ તો, તેમનો જન્મ 3 ડિસેમ્બર, 1970ના રોજ વડનગરમાં થયો હતો, અત્યારે તેઓ 52 વર્ષની થઇ ચૂક્યા છે. શંકર ચૌધરીએ 27 વર્ષની ઉંમરે સૌથી પહેલા રાજકીય પડકાર 1997માં દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને આપ્યો હતો, વર્ષ 1997માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા સામે રાધનપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. તે વખતે શંકરસિંહ વાઘેલા 1996ના અંતમાં 11મા મુખ્યમંત્રી સુરેશ મહેતા સામે બળવો કરીને કૉંગ્રેસનું સમર્થન મેળવીને મુખ્યમંત્રી બન્યા હતા. શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી. મુખ્યમંત્રીપદે ટકી રહેવા માટે તેમને પેટાચૂંટણીમાં ચૂંટાઈને ધારાસભ્ય બનવું જરૂરી હતું. જોકે શંકરસિંહ વાઘેલાનો શંકર ચૌધરી સામે 13,894 મતે વિજય થયો હતો.
આ પછી શંકર ચૌધરીએ 1998થી 2017 સુધી રાજકીય સફર ચાલી હતી, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વાવ બેઠક પરથી કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર સામે હારી ગયા હતા. આ પછી હવે 2022માં ફરી એકવાર વિધાનસભા પહોંચ્યા ત્યારે તેમને વિધાનસભાના અધ્યક્ષ પદે બેસાડવામાં આવ્યા હતા. શંકર ચૌધરીએ હાલની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 26,506 મતોએ હરાવ્યા હતા. આ પછી તેમના કદ પ્રમાણે તેમને આ પદ આપવામાં આવ્યુ હતુ. શંકર ચૌધરી વિધાનસભાના 31માં અધ્યક્ષ બન્યા છે, જેઓ 2022થી હજુ સુધી કાર્યરત છે.
શંકર ચૌધરી સહકારી ક્ષેત્રમાં લગાતાર સક્રિય નેતા છે, તેઓ બનાસકાંઠા જિલ્લા સહકારી મિલ્ક ફેડરેશનના ચૅરમૅનપદે ચૂંટાઈ આવ્યા હતા. બનાસ ડેરીમાં સતત 24 વર્ષથી એકધારા ચાલતા પર્થી ભટોળના દબદબાનો અંત આણ્યો હતો. આ અગાઉ તેઓ 7 ઑગસ્ટ 2016થી લઈને 26 ડિસેમ્બર સુધી આનંદીબહેન પટેલની સરકારમાં મેડિકલ ઍજ્યુકેશન અને પર્યાવરણ તથા શહેરીવિકાસ મંત્રાલયનું રાજ્ય કક્ષાનું મંત્રીપદ પણ સંભાળી ચૂક્યા છે. આ સિવાય તેઓ ધ ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્કના પણ ઉપપ્રમુખ છે. તેઓ ભાજપમાં પ્રદેશ મહામંત્રીપદ પણ સંભાળી રહ્યા છે. શંકર ચૌધરીની સહકારીતા ક્ષેત્ર પર જોરદાર પકડ છે.
શંકર ચૌધરીના પારિવારિક જીવનની વાત કરીએ તો, તેમનું પુરુ નામ શંકરભાઇ લગ્ધીરભાઇ ચૌધરી છે, તેમના ચાર સંતાનો છે, નીતિ ચૌધરી, વેદ ચૌધરી, ક્રિષ્ણા ચૌધરી, સંધ્યા ચૌધરી. આ ઉપરાંત 2012માં શંકર ચૌધરી પર વિધાનસભામાં અશ્લીલ વીડિયો જોવાનો આરોપ લાગી ચૂક્યો છે, એટલુ જ નહીં ડિગ્રી વિવાદમાં પણ તેમનું નામ ઉછળ્યુ હતુ.