(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર, સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાને હટાવાયા, જાણો કોની કરાઈ નિમણૂક ?
ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરાયો છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે.
અમદાવાદઃ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરાયો છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમાયેલા રત્નાકર આ પહેલાં બિહારમાં ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા હતા.
મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની એવા અને હાલ બિહાર સંગઠનના સહસંગઠન મહામંત્રી તરીકે કાર્યરત એવા રત્નાકરને પ્રદેશ ભાજપ સંગઠનના નવા મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રત્નાકરની નિયુક્તિ પર ભીખુભાઈ દલસાણીયાએ પણ ટ્વિટરના માધ્યમથી રત્નાકરને અભિનંદન પાઠવ્યા છે. ભીખુભાઈ દલસાણીએ ટ્વિટર કરીને લખ્યુ કે માનનીય શ્રી રત્નાકરજીને ગુજરાતના સંગઠન મહામંત્રી નિયુક્ત થતા સહર્ષ અભિનંદન અને શુભેચ્છા. કેમ કે ભીખુભાઈ લાંબા સમયમાં પાર્ટીની સેવા કરી છે. જબરદસ્ત કુનેહવાળા વ્યક્તિ છે. ત્યારે આવનારા દિવસોમાં ભીખુભાઈને નવી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
સંઘના વિચારોને વરેલા ભીખુભાઈ દલસાણીયા સફળ રણનીતિકાર ગણાય છે. હરહંમેશ વિવાદથી દુર રહીને લો પ્રોફાઈલ વ્યક્તિત્વ રાખી દલસાણીયાએ છેલ્લા બે દશકમાં પાર્ટીને મળેલી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નરેંદ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ ભીખુભાઈની સંગઠનમાં બોલબાલા હતી. પાટીદાર સમાજના ભીખુભાઈ દલસાણીયા તમામ સમાજોમાં લોકપ્રિય છે. એટલુ જ નહી, ભાજપના એક એવા નેતા છે જેમને નાના કાર્યકર્તાથી લઈને કેંદ્ર સરકારના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ સાથે સીધા સંબંધ છે. ભલે તેમની સંગઠનના મહામંત્રીની જવાબદારીથી દૂર કરાયા હોય પરંતુ તેમના અત્યાર સુધીના રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખીને એક વાત નક્કી છે કે આવનારા દિવસોમાં ભીખુભાઈને પાર્ટી હાઈકમાંડ કોઈ મહત્વની જવાબદારી સોંપશે