SABARKANTHA : મહેસાણા-શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવેના નિર્માણનો વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો
Sabarkantha News : મહેસાણા-શામળાજી નેશનલ હાઇવેના નિર્માણથી 10 ગામના 300 ખેડૂતોને અસર થશે.
SABARKANTHA : કેન્દ્ર સરકારે મહેસાણાથી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવેના નિર્માણની મંજૂરી આપી દીધી છે. જો કે કેન્દ્ર સરકારે આ નેશનલ હાઇવેની મંજૂરી આપતા જ વિરોધનો વંટોળ ઉભો થયો છે.ખેતી પર નિર્ભર ખેડૂતો જમીન વિહોણા થવાની દહેશતને લઇ વિરોધ ઉભો થયો છે.
10 ગામના 300 ખેડૂતોને થશે અસર
સાબરકાંઠા જિલ્લાના સ્થાનિકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે.એક તરફ કુદરત સાથે બાથ ભીડી ખેત પેદાશનું ઉત્પાદન મેળવી રહ્યા છે, તો બીજી તરફ ખેતી કરવા માટે ખેતરજ ન રહેવાની દહેશતને લઈ ખેડૂતો બેબાકળા બન્યા છે.
મહેસાણા શામળાજી નેશનલ હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી છે જે વાયા ઇડર થઈને પસાર થાય છે. આ નેશનલ હાઇવે ઇડર તાલુકાના દસ ગામડાની સીમમાંથી નીકળી રહ્યો છે. પરંતુ નેશનલ હાઇવેમાં ખેડૂતોની આજીવિકાનું સાધન એવું ખેતર સંપાદિત થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો સરકારને વિનંતી કરી ઉકેલ લાવવા માથામણ કરી રહ્યા છે. દસ ગામોના 300 કરતા પણ વધુ ખેડૂત ખાતેદારોની જમીન રોડમાં સંપાદિત થઈ રહી છે જે પૈકીના 10 કરતા વધુ ખેડૂતોનીતો તમામ જમીન રોડમાં સંપાદિત થઈ રહી છે .
જમીન બચાવવા સંગઠિત થયા ખેડૂતો
ઇડર તાલુકાના મણીઓર, સદાતપુરા, સાપાવાડા, લાલોડા,સવગઢ, છાવણ, બુઢિયા, વાસડોલ અને બડોલી ગામનના અસરગ્રસ્ત જમીન માલિકો એકઠા થયા હતા અને આગામી સમયમાં જમીન બચાવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.
એક તરફ ઇડર શહેરને વર્ષોથી બાયપાસ આપવાની માંગ કરવામાં આવી રહી છે, જો કે બાયપાસને જેની જરૂર જ નથી એવા નેશનલ હાઇવેને મંજુર કરવામાં આવ્યો છે.
આ અંગે બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને મળી રજુઆત કરવામાં આવી છે, સાથેજ આગામી સમયે જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવશે અને ત્યારબાદ પણ સુખદ અંત નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
હાઇવે ઓથોરિટી, સરકાર દ્વારા જાણ નથી કરાઈ
એક તરફ હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકારે ઘોષણા તો કરી લીધી પરંતુ મેપ બનાવવા માટે કોઈ સર્વે કરાયો નથી. માત્ર સેટેલાઇટ તસ્વીર આધારે સર્વે કરી ખૂંટ લગાવી દેવામાં આવ્યા છે અને ખૂંટ લાગ્યા બાદ ખેડૂતોને જાણ થઈ છે કે હવે તેમની જમીન નેશનલ હાઇવેમાં સંપાદિત થઈ જશે. પરંતુ આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી કે સરકાર દ્વારા ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવી નથી. તો બીજી તરફ ખેડૂતો પણ રજુઆતોનો અને મિટિંગોનો દોર ચલાવી રહ્યા છે અને આંદોલનના ભણકાર વાગી રહ્યા છે.