Mount Abu: માઉન્ટ આબુમાં નખીલેક પાસે જોવા મળ્યું રીંછ, દુકાનોમાં તોડફોડ કરતા વેપારીઓમાં ફફડાટ
Mount Abu: પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં રાત્રે બજારમાં રીંછ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો
Mount Abu: પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં રાત્રે બજારમાં રીંછ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજસ્થાનના માઉન્ટ આબુમાં નખીલેક પાસે મોડી રાત્રે રીંછ દેખાતા પ્રવાસીઓની સાથે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતીઓની પહેલી પસંદ છે. એવામાં મોડી રાત્રે નખી લેક પાસે બજારમાં રીંછ પહોંચ્યુ અને પાસેની દુકાનોમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. વેપારીઓની માંગ છે કે રીંછ કોઈના પર હુમલો કરે તે પહેલા રીંછને પકડવામાં આવે.સીસીટીવી કેમેરામાં જોઇ શકાય છે કે રીંછ ખોરાકની શોધમાં નખી લેક નજીકના બજારમાં પહોંચે છે જ્યાં લોકોને પણ વીડિયોમાં જોઇ શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં અંબાજીમાં ગબ્બરની પહાડીઓમાં દીપડો જોવા મળ્યો હતો. બનાસકાંઠના અંબાજીમાં ગબ્બરની પહાડીઓમાં દીપડો જોવા મળ્યો હતો. લેબર કામગીરી કરતા લોકોએ દીપડો જોતા વીડિયો બનાવ્યો હતો. ગબ્બર પર્વતની પહાડીઓમાં દીપડો હોવાની જાણ થતા લોકો અને દર્શનાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગબ્બરની પહાડીઓમાં દીપડાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ પાલનપુરની ટીમ ગબ્બર ખાતે રવાના થઈ હતી. ગુજરાતમાં દીપડાની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગની તાજેતરની વસતી ગણતરી મુજબ રાજ્યમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં દીપડાની સંખ્યા 2016માં 1395 હતી, તે 2023માં વધીને 2274 પર પહોંચી છે. સૌથી વધુ દીપડા જૂનાગઢમાં છે, અહીં 578 દીપડાનો વસવાટ છે.