Snowfall in Himachal: હિમાચલમાં ભારે હિમવર્ષાનું એલર્ટ, રોહતાંગથી મનાલી સુધી જનજીવન અસ્ત-વ્યસ્ત
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા હવે લોકો માટે આફત સાબિત થઈ રહી છે. રાજ્યમાં રોહતાંગમાં ત્રણ ફૂટ અને નારકંડા, કુફરી, રોહરુ, ચૌપાલ અને મનાલીમાં અડધા ફૂટથી વધુ હિમવર્ષા થઈ છે.
Snowfall in Himachal: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા હવે લોકો માટે આફત સાબિત થઈ રહી છે. રાજ્યમાં રોહતાંગમાં ત્રણ ફૂટ અને નારકંડા, કુફરી, રોહરુ, ચૌપાલ અને મનાલીમાં અડધા ફૂટથી વધુ હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વીજળી, પાણી અને વાહનવ્યવહાર ઠપ્પ છે. તાજી હિમવર્ષાને કારણે રાજ્યમાં 475 રસ્તાઓ બંધ છે. તેમને ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અપર શિમલા માટે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. બે દિવસથી સતત હિમવર્ષા અને વરસાદ ચાલુ રહ્યો હતો. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. લઘુત્તમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે. જ્યારે મહત્તમ તાપમાનમાં ત્રણથી સાત ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હિમાચલ પ્રદેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. હિમવર્ષાના કારણે માર્ગ પરિવહન નિગમની 75 જેટલી બસો ફસાઈ ગઈ છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી તાજેતરની આગાહી અનુસાર, સોમવારે રાજ્યના છ જિલ્લાઓમાં - લાહૌલ સ્પીતિ, કિન્નૌર, શિમલા, કાંગડા, મંડી અને કુલ્લુમાં તોફાન અને ભારે હિમવર્ષાને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
તોફાન અને અતિવૃષ્ટિને લઈને બાકીના છ જિલ્લા ચંબા, ઉના, બિલાસપુર, હમીરપુર, સિરમૌર અને સોલનમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં 333 જેટલા ટ્રાન્સફોર્મર હજુ પણ ખામીયુક્ત છે. જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે. 56 પીવાના પાણીની યોજનાઓ પ્રભાવિત થઈ છે અને તેના કારણે પીવાનું પાણી પુરૂ પાડી શકાયું નથી.
લાહૌલ સ્પીતિમાં 157, શિમલામાં 133, કુલ્લુમાં 71, ચંબામાં 56, મંડીમાં 51, કિન્નૌરમાં છ અને કાંગડામાં એક રસ્તો બંધ છે. રાજ્યના ધૌલા કુઆનમાં મહત્તમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અન્ય સ્થળોએ દસ ડિગ્રી કે તેથી ઓછું નોંધાયું હતું. સોમવારે તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.