Independence Day 2024: જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે વિશ્વભરના સમાચારપત્રોએ શું લખ્યું હતુ?
Independence Day 2024: આગામી 15 ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
Independence Day 2024: આગામી 15 ઓગસ્ટ 2024ના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. 1947માં સ્વતંત્રતા દિવસ આપણા દેશ માટે ખૂબ જ ખુશીનો દિવસ હતો કારણ કે તેના માટે ઘણા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આઝાદી પછી અડધી રાત્રે આપણો દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો. ઇસ્લામના આધારે પાકિસ્તાન નામનો નવો દેશ બનાવવામાં આવ્યો હતો.
ભારતની આઝાદીના સમાચાર આખી દુનિયાના અખબારોમાં છપાયા હતા. ચાલો આજે અમે તમને જણાવીએ કે જે સમયે ભારતને આઝાદી મળી ત્યારે વિશ્વભરના અખબારોમાં શું લખવામાં આવ્યું હતું.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા- આ અખબારે ભારતની આઝાદીના સમાચાર પહેલા પાના પર છાપ્યા હતા. ન્યૂઝપેપરમાં ભારતના સ્વતંત્રતા દિવસની તારીખ, 15 ઓગસ્ટ, 1947, અખબારમાં જોઈ શકાય છે. તેમાં હેડિંગ લખવામાં આવ્યું હતું- 'Birth of India's Freedom', એટલે કે ભારતની આઝાદીનો જન્મ. ભારતને આઝાદી મળી ગઇ છે.
હિન્દુસ્તાન- હિન્દી દૈનિક અખબાર હિન્દુસ્તાને પણ પહેલા પાના પર સમાચારને સ્થાન આપ્યું અને હેડિંગમાં લખ્યું, 'સદીઓની ગુલામી પછી ભારતમાં આઝાદીની શુભ સવાર.' આ હેડિંગની નીચે લખ્યું છે કે, 'બાપુની સતત તપસ્યા સફળ છે.'
ધ હિન્દુસ્તાન ટાઈમ્સ - આ અખબારે ફ્રન્ટ પેજ પર સમાચારને સ્થાન આપતાં હેડિંગમાં લખ્યું હતું- 'India Independent: British Rule Ends' જેનો અર્થ થાય છે 'ભારત આઝાદ થયું, બ્રિટિશ શાસનનો અંત થયો'
ધ સ્ટેટ્સમેન - ધ સ્ટેટ્સમેને ફ્રન્ટ પેજ પર ભારતની આઝાદીના સમાચાર પ્રકાશિત કર્યા અને હેડિંગ આપ્યું, 'Two Dominions Are Born', એટલે કે બે દેશોનો જન્મ થયો. તેણે આગળ લખ્યું હતું કે-'Political Freedom for One-Fifth of Human Race' જેનો અર્થ થાય છે વિશ્વની કુલ વસ્તીના પાંચમા ભાગને રાજકીય સ્વતંત્રતા મળી છે. અખબારમાં એક તરફ પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની તસવીર છે અને બીજી બાજુ પશ્ચિમ બંગાળના પ્રથમ રાજ્યપાલની તસવીર છે. તેમાં લખ્યું છે કે, 'Power Assumed by Indians', એટલે કે ભારતને સત્તા ટ્રાન્સફર કરવામાં આવી છે.
ગુજરાત સમાચાર - ગુજરાતમાં પ્રસિદ્ધ થતા ગુજરાત સમાચાર અખબારમાં ગુજરાતી ભાષામાં પહેલા પાના પર લખ્યું હતું કે- 'ગુલામીની કાળ રાત્રીનો અંત- આઝાદીનો ઉદય'. અખબારે તેના નામની બાજુમાં લહેરાતા ત્રિરંગાની તસવીર પણ પ્રકાશિત કરી છે.
ધ વોશિંગ્ટન પોસ્ટ- અમેરિકાના દૈનિક અખબાર ‘ધ વોશિંગ્ટન પોસ્ટે’ પણ પહેલા પાના પર સમાચારને સ્થાન આપ્યું હતું. જો કે તેને બીજી કોલમમાં દર્શાવવામાં આવ્યું હતું. તેણે હેડિંગમાં લખ્યું હતું કે, 'India Achieves Sovereignty Amid Scenes of Wild Rejoicing', એટલે કે ભારતે સાર્વભૌમત્વ હાંસલ કર્યું છે.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ - અમેરિકાના બીજા અખબાર ‘ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે’ પ્રથમ પાના પર આ સમાચારને સ્થાન આપ્યું હતું. તેણે ભારત અને પાકિસ્તાનના વિભાજનનો નકશો પ્રકાશિત કર્યો છે. અખબારે લખ્યું હતું કે, 'Two Indian Nations Emerge on World Scene', એટલે કે વિશ્વ મંચ પર બે ભારતીય રાષ્ટ્રોનો જન્મ થયો. વિભાજન પછી ચાલતા રમખાણો વિશે માહિતી આપતાં તેણે આગળ લખ્યું હતું કે 'India and Pakistan Become Nations; Clashes Continue' એટલે કે ભારત અને પાકિસ્તાન બે દેશો બની ગયા છે; રમખાણો ચાલુ છે.
ધ કુરિયર મેલ- ઓસ્ટ્રેલિયન અખબાર ધ કુરિયર મેલે તેના હેડિંગમાં લખ્યું હતું કે- 'British Rule in India Ends' એટલે કે ભારતમાં બ્રિટિશ શાસનનો અંત આવ્યો. તેની નીચેની તરફ ભાગલાને લઇને લખવામાં આવ્યું હતું કે 'Pakistan Assumes New Sovereignty', એટલે કે પાકિસ્તાનને સાર્વભૌમત્વ મળ્યું છે.