West Bengal : જ્યાં સુધી હું જીવિત છું કોઇની પણ જોબ નહિ જાય, મમતા બેનર્જીએ ટીચર્સને આપ્યુ વચન
West Bengal news : પશ્ચિમ બંગાળમાં શિક્ષણ ક્ષેત્રને લગતા ઘણા વિવાદો વચ્ચે, મમતા બેનર્જીએ કહ્યું કે, જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી ક્વોલિફાઇડ શિક્ષકોની નોકરીઓ સુરક્ષિત રહેશે અને તેમને કોઈ કાઢી શકશે નહીં.

West Bengal news :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાલમાં જ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી તેઓ જીવિત છે ત્યાં સુધી કોઈ પણ ક્વોલિફાઇડ શિક્ષક તેમની નોકરી ગુમાવશે નહીં. સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના આરોપમાં ઘણા શિક્ષકોને નોકરીમાંથી હટાવ્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું.
આ અંગે દુઃખ વ્યક્ત કરતાં મમતા બેનર્જીએ કહ્યું, 'મારું હૃદય ખૂબ જ દુઃખી છે. મને ડર છે કે જો હું આ વિશે બોલીશ તો હું જેલમાં જઈશ, પરંતુ હું હજી પણ બોલી રહ્યી છું. જો કોઈ મને પડકાર આપે તો હું જાણું છું કે તેને કેવી રીતે જવાબ આપવો.
લાયક શિક્ષકોની નોકરીનું રક્ષણ કરશે
મમતા બેનર્જીએ કહ્યું કે, તે લાયક શિક્ષકોની નોકરીઓનું રક્ષણ કરશે અને કોઈને તેમની નોકરી છીનવા દેશે નહીં. મમતાનું આ નિવેદન રાજ્યમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા વિવાદો વચ્ચે આવ્યું છે.
મુખ્યમંત્રીનું આ નિવેદન રાજ્યના શિક્ષકોમાં એક મજબૂત સંદેશ આપે છે કે, મમતા બેનર્જી તેમની સાથે છે અને તેમની નોકરી બચાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
શું છે પશ્ચિમ બંગાળનું શિક્ષક ભરતી કૌભાંડ?
આ કેસ પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ (એસએસસી) દ્વારા હાથ ધરવામાં આવેલી 2016ની ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ સાથે સંબંધિત છે. જેમાં 24,640 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં 23 લાખ ઉમેદવારોએ હાજરી આપી હતી. પંચે કુલ 25,753 નિમણૂક પત્રો જાહેર કર્યા હતા. આ નિમણૂંકોમાં મોટા પાયે ગોટાળા થયા હોવાના આક્ષેપો થયા હતા. આ પછી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
SSC એ 2014માં 24,640 જગ્યાઓ માટે ભરતી હાથ ધરી હતી. આયોગે 2016માં આ જગ્યાઓ માટે ભરતી પરીક્ષા યોજી હતી. તેમાં 23 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ભરતી પરીક્ષાનું પરિણામ 27 નવેમ્બર 2017 ના રોજ આવ્યું હતું. તેમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા. બાદમાં પંચે કોઈપણ કારણ દર્શાવ્યા વગર મેરિટ લિસ્ટ રદ કરી દીધું હતું. સિલિગુડીની રહેવાસી બબીતા સરકાર નામની ઉમેદવાર બેટિંગ યાદીમાં 20મા નંબર પર હતી. પરંતુ બાદમાં વેઇટિંગ લિસ્ટમાં તેનું સ્થાન 20થી બદલીને 21 કરવામાં આવ્યું હતું.અંકિતા અધિકારીનું નામ આ લિસ્ટમાં 20મા નંબરે સામેલ હતું.બબીતાના જણાવ્યા અનુસાર, 2016માં લેવાયેલી ભરતી પરીક્ષામાં તેણે 77 માર્ક્સ મેળવ્યા હતા અને અંકિતાને 61 માર્ક્સ મળ્યા હતા. ઓછા માર્ક્સ હોવા છતાં, કમિશને અંકિતાને કૂચ બિહાર જિલ્લાના મેખલીગંજની ઈન્દિરા હાઈસ્કૂલમાં રાજકીય વિજ્ઞાનના શિક્ષક તરીકે નિયુક્ત કર્યા. અંકિતા મમતા સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી પરેશ ચંદ્ર અધિકારીની પુત્રી છે.
મેરિટ લિસ્ટ સતત બદલાતું રહ્યું
બબીતા અને અન્ય ઉમેદવારે નવી મેરિટ લિસ્ટ સામે કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. મે 2017માં કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ કેસની તપાસ શરૂ કરી હતી. કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ અવિજિત ગંગોપાધ્યાયના આદેશ પર, સરકારે 2022 માં અંકિતા અધિકારીને બરતરફ કરી અને તેનો સંપૂર્ણ પગાર પાછો ખેંચી લીધો. તેમના સ્થાને બબીતા સરકારની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ બબીતા પણ લાંબા સમય સુધી પોતાના પદ પર રહી શકી નહીં. હાઈકોર્ટે પોતાના આદેશમાં સુધારો કરીને બબીતાની જગ્યાએ અનામિકા રોયની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. રોયે દાવો કર્યો હતો કે બબીતાના મેરિટ બનાવવામાં ગેરરીતિઓ થઈ હતી. તેના દાવાથી સંતુષ્ટ થતાં કોર્ટે બબીતાની નિમણૂક રદ કરી હતી અને તેને પગાર અને ભથ્થાં તરીકે મળેલા 15 લાખ 12 હજાર 843 રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો હતો.