ગુજરાતના આ મોટા શહેરમાં દર સોમવારે કોરોના ટેસ્ટ કરાવનાર વેપારીને જ દુકાન ખોલવાની મંજૂરી, ટેસ્ટ ના કરાવ્યો તો....
મ્યુનિસિપલ કોર્પોરેશને વ્હાઈટ અને ગ્રીન એમ બે પ્રકારના હેલ્થ કાર્ડ બનાવ્યા છે. વ્હાઈટ કાર્ડમાં કોરોના ટેસ્ટ ક્યારે-ક્યારે કરાવ્યો અને તેનું રીઝલ્ટ શું આવ્યું વગેરે વિગત હશે.
સુરતઃ સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલા આદેશના કારણે વેપારીઓમાં આક્રોશ છે. આ આદેશ પ્રમાણે વેપારીઓએ પોતાની દુકાન ચાલુ રાખવી હશે તો હવેથી ફરજિયાત કોવિડ હેલ્થકાર્ડ લેવું પડશે. આ ઉપરાંત કોરોના ન થયો હોય અને રસી પણ લીધી ના હોય તેવા વેપારીઓએ દર સોમવારે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. આ શતોનું પાલન નહીં કરનારને દુકાન ખોલવા નહીં દેવાય. દર સપ્તાહે કોવિડ ટેસ્ટના ફરમાનના કારણે વેપારીઓમાં આક્રોશ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને વ્હાઈટ અને ગ્રીન એમ બે પ્રકારના હેલ્થ કાર્ડ બનાવ્યા છે. વ્હાઈટ કાર્ડમાં કોરોના ટેસ્ટ ક્યારે-ક્યારે કરાવ્યો અને તેનું રીઝલ્ટ શું આવ્યું વગેરે વિગત હશે. બીજા ગ્રીન હેલ્થકાર્ડમાં વેપારીએ વેક્સિન લીધી છે તેની માહિતી હશે.મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે કે, વેપારીઓ માટે હેલ્થકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે તેની પાછળનો હેતુ વેપારીઓ પાસેથી દંડ વસૂલવાનો નથી પણ કોરોનાનું સંક્રમણ રોકવાનો છે. ગ્રાહકો દુકાનોમાં વિવિધ વસ્તુઓ ખરીદવા જાય ત્યારે તેમને ચેપ ન લાગે તે માટે સફેદ અને ગ્રીન કાર્ડ બનાવવામાં આવ્યા છે.
વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ લીધો હોય તેમને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. ઉપરાંત કોરોના થયો હોય તેવા વેપારીઓને પણ ગ્રીન કાર્ડ આપવામાં આવી રહ્યાં છે. જેમને કોરોના થયો ન હોય અને વેક્સિન પણ મૂકાવી ન હોય તેવા વેપારીઓને વ્હાઈટ કાર્ડ આપવામાં આવે છે. વ્હાઇટ કાર્ડ ધારક વેપારીએ દર સોમવારે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને વ્હાઈટ કાર્ડમાં ટેસ્ટનું પરિણામ લખવાનું રહેશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ દ્વારા દુકાનોમાં ઓચિંતી તપાસ કરવામાં આવશે. ચૂક જણાશે તો પહેલાં વેપારીને સમજાવાશે અને વારંવાર આ પ્રકારની ભૂલ થશે તો દંડ લેવાશે.સુરતમાં અત્યારસુધી 1 લાખ વેપારીઓએ હેલ્થકાર્ડ લીધા છે જ્યારે અન્ય 1 લાખ વેપારીઓએ હેલ્થકાર્ડ લેવાના બાકી છે. રસી લેનારા ગ્રીનકાર્ડ ધારક દુકાનદારનો વિસ્તારોમાં ઓછા કેસ આવે છે.