(Source: ECI/ABP News/ABP Majha)
Surat : કોફી શોપમાં યુવક-યુવતી બેભાન થયા પછી યુવતીનું મોત, પરિવારે શંકાસ્પદ યુવકની તસવીર કરી જાહેર
પરિવારજનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગુહાર લગાવી છે. વિધર્મીની ધરપકડ કરાવી ન્યાય અપાવવા માંગ કરી છે. પિતા સુશાંત શાહુએ ગૃહમંત્રીને અપીલ કરી વિધર્મીની ધરપકડ કરો.
સુરત: ખટોદરા વેસુ વિસ્તારમાં કોલેજીયન યુવતીના શંકાસ્પદ મોતના મામલે મૃતક યુવતીના પિતા સુશાંત શાહુએ CBI અથવા ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા માંગ કરી છે. પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, 24 કલાક થઈ ગયા હજી યુવક પકડાયો નથી, જ્યાં સુધી યુવકની ધરપકડ ન થાય ત્યાં સુધી અંતિમ વિધિ માટે મૃતદેહ નહિં સ્વીકારીએ તેવું પિતાએ જણાવ્યું. પરિવારજનોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગુહાર લગાવી છે. વિધર્મીની ધરપકડ કરાવી ન્યાય અપાવવા માંગ કરી છે. પિતા સુશાંત શાહુએ ગૃહમંત્રીને અપીલ કરી વિધર્મીની ધરપકડ કરો.
નોંધનીય છે કે, કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતાં સિવિલ લવાયાં હતાં. અહીં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જોકે, સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી નાસી ગયો હતો. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની છે. ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.
આ ઘટના સોમવારની મોડી સાંજની હતી.108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થી-વિદ્યાર્થિને સારવાર માટે લવાયા હતા. તપાસ કરતાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતી બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતાં પરિવાર ચિંતિત હતો. ફોન કરતાં મધુસ્મિતાનો ફોન બંધ આવતાં પરિવાર શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સોમવારે રાત્રે 12:30 વાગે NGO અને પોલીસે યુવતીનું મોત થયું હોવાનું પરિવારને જાણ કરી હતી. તેમજ યુવતીની કોલેજ બેગ અને મોપેડ આપી હતી.
પરિવારનો આક્ષેપ છે કે, કોલેજમાં સાથે અભ્યાસ કરતો મદની નામનો વિધર્મી વિદ્યાર્થી બીએના છેલ્લા વર્ષમાં યુવતીને મેસેજ કરી હેરાન પણ કરતો હતો. બીજી તરફ કોફી શોપના સંચાલકે જણાવ્યું હતું કે, બે કલાકથી એકની એક જગ્યા પર બેસેલા જોઈ શંકા જતાં તપાસ કરતાં બંને બેભાન હતા. તાત્કાલિક 108ને બોલાવી સિવિલ મોકલ્યા હતા. ઓડિશા પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.