Harni Lake Kand: દૂર્ઘટના બાદ તંત્ર જાગ્યુ, મ્યૂનિ.કમિશનરે શહેરની આ જગ્યાઓ પર આપ્યા તપાસના આદેશ, ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપાશે
વડોદરા શહેરમાં ગયા અઠવાડિયે હરણી તળાવ દૂર્ઘટના ઘટી હતી, અને આના પડઘા છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા. હવે આ મામલે શહેરી તંત્ર જાગ્યુ છે
Harni Lake Kand News: ગુજરાતમાં ગયા અઠવાડિયે ઘટેલી ચકચારી હરણી તળાવ દૂર્ઘટનાને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ગઇકાલે જ આ દૂર્ઘટનાનો મુખ્ય આરોપી બિનીત કોટિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે, તો હવે આજે આ મામલે વડોદરા શહેર મ્યૂનિસિપલ કમિશશનરે તપાસના આદેશ આપ્યા છે. જ્યાં લાયસન્સ કે પરવાના ના હોય તે તમામ ઝૉનને તાત્કાલિક અસરથી બંધ કરવા પણ આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ દૂર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી મોત થયા હતા, આ પછી રાજ્ય સરકારે એક પછી એક એક્શન લેવાનું શરૂ કર્યુ હતુ. હાલમાં પોલીસે પણ આ મામલે કેટલાક શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાં ગયા અઠવાડિયે હરણી તળાવ દૂર્ઘટના ઘટી હતી, અને આના પડઘા છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા. હવે આ મામલે શહેરી તંત્ર જાગ્યુ છે. વડોદરા શહેર મ્યૂનિસિપલ કમિશનર દિલીપ રાણા એક્શનમાં આવ્યા છે, અને તપાસના આદેશ આપ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ શહેરના તમામ બાગ-બગીચા, કૉમ્યૂનિટી હૉલ, સ્વિમિંગ પૂલ, રાઇડ્સ સહિતની તમામ જગ્યાએ તપાસના આદેશ આપ્યા છે. શહેરમાં તમામ જગ્યાઓએ ઇમારતો, પ્રૉજેક્ટ, ફેસિલિટી, સંસાધનો સહિતની જગ્યાએ તપાસ કરાશે, જરૂરી મંજૂરી, પરવાના અને લાયસન્સ ના હોય તેને તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ખાસ વાત છે કે, શહેરભરમાં આ અંગે તપાસ કરીને ત્રણ દિવસમાં રિપોર્ટ કરવા અધિકારીઓને આદેશ અપાયા છે. આ તપાસમાં પુનાની બૉટ મેન્યૂફેક્ચરિંગ કંપની અને એફએસએલની ટીમે હરણી તળાવમાં ડૂબેલી બૉટનું પરીક્ષણ કર્યુ હતુ. બૉટના ટેકનિકલ રિપોર્ટને તપાસમાં સામેલ કરવામાં આવશે, બૉટમાં શું ફેરફાર થયાં હતાં તેની પણ વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. હરણી તળાવ માટે કોટિયા કંપનીએ 2018માં 9 બૉટ ખરીદી હતી.
મુખ્ય આરોપીની ધરપકડ, પોલીસે સંચાલન કરનારા બિનીત કોટિયાને પકડ્યો, હજુ પરેશ શાહ પકડથી દુર
ગયા અઠવાડિયે થયેલી વડોદરાની હરણી લેક દૂર્ઘટનામાં મોટુ અપડેટ સામે આવ્યુ છે. હરણી તળાવ દૂર્ઘટના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે, હાલમાં જ માહિતી મળી છે કે, હરણી તળાવ દૂર્ઘટના કેસમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. હરણી તળાવ દૂર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડુબવાથી મોત થયા હતા.
તાજા અપડેટ પ્રમાણે, વડોદરાના હરણી તળાવ ખાતે ગયા અઠવાડિયે વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી ગઇ હતી, જેમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી મોત થયા હતા, આ પછી આ સમગ્ર દૂર્ઘટના મામલે તપાસ હાથ ધરી હતી અને 18 જેટલાઓ સામે ફરિયાદ દાખલ કરી હતી, જેમાં આજે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
વડોદરાના હરણી તળાવ દૂર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોતના મામલે આજે પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. કોટિયા મેનેજમેન્ટના મુખ્ય પાર્ટનર બિનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. જોકે હજુ સુધી મુખ્ય કર્તાહર્તા પરેશ શાહ પોલીસ પકડથી દુર છે. પરેશ શાહ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાતો ચર્ચાઇ રહી છે. કહેવાઇ રહ્યું છે કે, અનેક રાજકારણીઓના ચાર હાથ પરેશ શાહ પર છે. કોટિયા મેનેજમેન્ટ પાસે હરણી તળાવનું સંચાલન હતુ, જેના કારણે તેને મુખ્ય આરોપી બનાવવામાં આવી રહ્યો છે. પરેશ શાહે કરાર કરી બિનીત કોટિયાને સંચાલન સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે હરણી તળાવ કાંડ મામલે 19 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. હાલમાં મુખ્ય આરોપીઓ પરેશ શાહના ઘરે તાળાં લટકી રહ્યાં છે.